ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રહી ચુકેલા કલ્યાણ સિંહના અંતિમ દર્શન દરમિયાન તેમના પાર્થિવ શરીર પર ભાજપનો ઝંડો રાખવાને લઈ રાજકીય વાક્યુદ્ધ છેડાયું છે. ટીએમસી, કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના નેતાઓએ ભાજપને ટાર્ગેટ કરીને સવાલ કર્યા છે. ટીએમસી સાંસદે સવાલ કર્યો હતો કે, તિરંગાનું અપમાન કરવું એ માતૃભૂમિના સન્માનની નવી પદ્ધતિ છે?
કલ્યાણ સિંહના પાર્થિવ શરીરને લખનૌ સ્થિત તેમના આવાસ પર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના પાર્થિવ શરીરને તિરંગા વડે લપેટવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેમના પગ બાજુ ભાજપનો ઝંડો પણ મુકવામાં આવ્યો. ત્યારથી વિપક્ષી દળોએ ભાજપ પર નિશાન તાકવાનું શરૂ કરી દીધું.
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સુખેંદુ શેખર રૉયે કલ્યાણ સિંહના અંતિમ દર્શનની તસવીર ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવું એ શું માતૃભૂમિુનં સન્માન કરવાની નવી પદ્ધતિ છે? રૉયે જે તસવીર શેર કરી છે તેમાં ભાજપના અનેક નેતા જોવા મળી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, યુપી પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અંતિમ દર્શન કરતા જોવા મળી રહ્યા છે.’
યુથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે તસવીર શેર કરીને સવાલ કર્યો હતો કે, શું ભારતના ઝંડાની ઉપર કોઈ પાર્ટીનો ઝંડો રાખવો યોગ્ય છે?