આજે કેન્દ્ર સરકાર લોન્ચ કરશે ઈ-શ્રમ પોર્ટલ, જાણો છે શું આ પોર્ટલની ખાસિયતો

અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર ઈ-શ્રમ પોર્ટલ શરૂ કરશે. સત્તાવાર માહિતી અનુસાર ઈ-શ્રમ પોર્ટલ 26 ઓગસ્ટ 2021ના ​​રોજ એટલે કે આજ થી શરૂ કરવામાં આવશે. સરકારની આ પહેલ સાથે તમામ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ દેશના તમામ અસંગઠિત કામદારો સુધી પહોંચશે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈ-શ્રમ પોર્ટલનો લોગો લોન્ચ કર્યો છે. આ પોર્ટલ 26 ઓગસ્ટના રોજ  બપોરે 3.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે અને પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માંગતા કામદારોના પ્રશ્નોના જવાબ આપવા માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર 14434 પણ તે જ દિવસથી જ શરૂ કરવામાં આવશે. પોર્ટલ શરૂ થયા પછી અસંગઠિત ક્ષેત્રના કામદારો તે જ દિવસથી પોતાનું રજીસ્ટ્રેશન કરી શક્શે. જન્મ તારીખ, હોમ ટાઉન, મોબાઈલ નંબર અને સોશિયલ કેટેગરી જેવી અન્ય જરૂરી વિગતો ભરવા સિવાય કામદાર તેના આધાર કાર્ડ નંબર અને બેંક ખાતાની વિગતોનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

કામદારોને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે, જેમાં 12 અંકનો યુનિક નંબર હશે. તેનો ઉદ્દેશ સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓનું એકીકરણ કરવાનો છે. તેમજ નાના કામદારોને દરેક સરકારી યોજનાનો લાભ મળી શકે તેવો હેતુ છે. સરકાર આ પહેલા પણ ડેટાબેઝ બનાવવા, આમંત્રિત કરવાની સમયમર્યાદા ચૂકી હતી. ઈ-શ્રમ પોર્ટલ દ્વારા સરકાર 38 કરોડ અસંગઠિત કામદારો જેમ કે બાંધકામ મજૂર, પ્રવાસી કામદારો, શેરી વિક્રેતાઓ અને ઘરેલુ કામદારોની રજીસ્ટ્રેશન કરવાનું લક્ષ્ય ધરાવે છે. જો કે આ એક મોટો પડકાર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોર્ટલ પર કામદારોની નોંધણી શ્રમ મંત્રાલય, રાજ્ય સરકારો, વેપારી સંગઠનો અને CSC દ્વારા સંકલન કરવામાં આવશે. વધારેમાં વધારે કામદારો આ પોર્ટલ સાથે જોડાઈ શકે તેમજ કામદારોની રાષ્ટ્રવ્યાપી નોંધણીને સક્ષમ કરવા માટે દેશભરમાં જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવશે.

E – SHRAM પોર્ટલ કરોડો અસંગઠિત કામદારોનો ડેટાબેઝ રાખવા અને તેમને સમય સમય પર સામાજિક સુરક્ષા અને સરકારની અન્ય યોજનાઓ સાથે જોડવા માટે ગેમ ચેન્જર સાબિત થશે. આજે લોન્ચ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રી રામેશ્વર તેલીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ પોર્ટલ લોન્ચ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *