રાજકોટમાં જાણીતા બિલ્ડર ફાઇનાન્સર, કોન્ટ્રાકટર અને ઇલેકટ્રોનિક્સનાં ધધાર્થી સહિતના ધંધાર્થીઓને ત્યાં ગઇકાલે આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે દરમિયાન અંદાજે ૧૦૦ કરોડ રૂા. ના બિનહિસાબી નાણાંકીય વ્યવહારો બહાર આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આવકવેરા વિભાગ દ્વારા થોકબંધ દસ્તાવેજો, કાચી ચીઠ્ઠી, હાર્ડ ડીસ્ક કબજો કરવામાં આવી છે.
તપાસ દરમિયાન બિલ્ડર ગ્રુપ દ્વારા કરવામાં આવેલા આર્થિક વ્યવહારોની ડાયરી હાથ લાગી જતા અન્ડર વેલ્યુએશનના રહસ્યો બહાર આવ્યા છે. દરમિયાન આર.કે. ગુ્રપ પાસેથી મિલ્કતો ખરીદનારાઓના નામોની જાણકારી મળતા તેમને ખુલાસો કરવાની કાર્યવાહી શરૂ કરાતા દુકાન, ઓફિસ, ફલેટ કે પ્લોટ ખરીદનારા ગ્રાહકોમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
આરકે ગ્રુપના માલિક સર્વાનંદ સોનવાણી અને કમલ સોનવાણી છે. જગદિશ સોનવાણી સહિત 6 ભાઇઓ છે. આર કે ગ્રુપ ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા છે. દાણાપીઠમાં RK ફાયનાન્સ પેઢી આવેલી છે. અનાજ -કઠોળનું પણ મોટું કામકાજ છે. RK ટ્રેડિંગના નામે હડમતાળામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ આવેલું છે. કુવાડવા રોડ પર 1 થી લઇને 11 સુધી ઇન્ડસ્ટ્રીયલ ઝોન તૈયાર કર્યા છે. અનેક ફાર્મહાઉસ પ્રોજેક્ટ પણ તૈયાર કર્યા છે. પહેલા જમીન, મકાન અને પ્લોટીંગનું કામ કરતા હતા. જો કે છેલ્લા ઘણાં વર્ષોથી બિલ્ડીંગ તૈયાર કરે છે. મોટાભાગે ભાગીદારી પેઢીમાં કામ કરે છે.જેથી દરોડામાં તેની ભાગીદારી પેઢી પર પણ દરોડા હાથ ધરવામાં આવ્યા છે.
ઇન્કમટેક્સ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં સમયથી આર.કે ગ્રુપ આઈટીના સર્વેલન્સમાં હતું. આર.કે. ગ્રુપ અનેક રોકડ અને બેનામી હિસાબો પર ઈ ન્કમટેક્સ વિભાગની વોચ હતી. જે સ્થળોએ રોકડ અને દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા ત્યાં જ દરોડા પાડવામાં આવ્યા. બિલ્ડર અને તેના ભાગીદારોની પેઢીમાં દરોડા પહેલા એકાઉટન્ટન્ટોની ઓફિસોમાં દરોડા કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 4 કરોડ રોકડા, 6 જેટલા એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. આ સાથે જ મિલ્કતો લે વેચ માટે કાચી ચિઠ્ઠીઓ કબ્જે કરાઇ છે.
ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે આર.કે. ગ્રુપ છેલ્લા ઘણાં સમયથી આઇટીના નિશાના પર હતા.તેમાં પણ આ ગ્રુપ દ્વારા છેલ્લા 20 દિવસમાં માધાપર ચોકડી અને અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં 150 કરોડની જમીનના સોદા કર્યા હતા, જેના કારણે આઇટીની નજરે ચડ્યાં હોવાનું માલૂમ પડ્યું છે.