ઈંગ્લેન્ડ સામેની લોર્ડઝમાં રમાયેલી બીજી ટેસ્ટની ઉજવણીનો ઉત્સાહ હજુ ઓસર્યો પણ નહતો ત્યારે આજથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે જ ભારત ૪૦.૪ ઓવરોની રમતમાં તેની પ્રથમ ઈનિંગમાં માત્ર ૭૮ રનમાં ઓલઆઉટ થયું હતું.
ભારતીય ક્રિકેટ ઈતિહાસનો આ નવમા ક્રમનો નિમ્ન સ્કોર છે. ભારત હજુ આઠ મહિના પહેલા જ ઓસ્ટ્રેલિયા સામે એડીલેડ ટેસ્ટમાં માત્ર ૩૬ રનમાં જ ખખડયું હતું જે તેઓનો અત્યાર સુધીનો સૌથી નિમ્ન સ્કોર છે.
ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં એ પણ અનોખો રેકોર્ડ નોંધાયો કે ઈનિંગમાં એકપણ બેટ્સમેન ૨૦ રન ન કરી શક્યો. ભારતના નવ બેટ્સમેન ડબલ ફિગર પણ ન નોંધાવી શક્યા.
પૂજારા ૧, કોહલી ૭ વધુ એક વખત નિષ્ફળ ગયા હતા. પ્રથમ પાંચ બેટ્સમેનો વિકેટ પાછળ બટલરના હાથમાં ઝિલાયા હતા. એન્ડરસને રાહુલ, પૂજારા અને કોહલીની વિકેટ ઝડપી હતી. ઓવર્ટને અને કરને બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. ભારતે આખરી ૬ વિકેટ ૨૦ રનમાં ગુમાવી હતી.