મુખ્યમંત્રી ખટ્ટરના કાર્યક્રમનો વિરોધ કરવા ખેડૂતો પહોંચતા પોલીસ તેમના પર ટુટી પડી હતી, જેને પગલે અનેક ખેડૂતો લોહીલુહાણ થઇ ગયા છે. આ ઘર્ષણમાં આશરે 10 જેટલા ખેડૂતો ઘાયલ થયા છે. પોલીસના બર્બર્તા પૂર્વકના લાઠીચાર્જ બાદ ખેડૂતો વિફર્યા હતા અને હરિયાણાના હાઇવે જામ કરી દીધા હતા. લોહીલૂહાણ ખેડૂતોના વીડિયો અને તસવીરો વાઇરલ થઇ રહી છે અને ખટ્ટર સરકારની ભારે ટીકા થઇ રહી છે.
હરિયાણાના કર્નાલમાં ભાજપના નેતાઓ એકઠા થવા જઇ રહ્યા હોવાની જાણકારી ખેડૂતોને મળી હતી. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો હરિયાણાના મુખ્યમંત્રી પર આ કાયદા પરત લેવા દબાણ કરી રહ્યા છે. તેઓ આ વિરોધના ભાગરૂપે જ કર્નાલ તરફ જઇ રહ્યા હતા જ્યાં ભાજપનો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો હતો.
જોકે તેમને પોલીસે રસ્તામાં જ રોકી લીધા હતા અને ભારે લાઠીચાર્જ કર્યો હતો. અનેક ખેડૂતોના માથા ફોડી નખાયા હતા. કર્નાલમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ભાજપ પ્રદેશ પ્રમુખ ઓમ પ્રકાશ ધાનકર અને અન્ય સીનિયર નેતાઓ આ બેઠકમાં સામેલ થયા હતા. ખેડૂતો પરના બર્બરતા પૂર્વકના લાઠીચાર્જના વિરોધમાં હરિયાણાના હાઇવે અને રોડ ખેડૂતોએ બ્લોક કરી દીધા હતા, સાથે જ ટોલપ્લાઝા પણ બંધ કરી દેવાયા હતા, અનેક સૃથળે હાલ હરિયાણામાં ધરણા પ્રદર્શન ચાલુ થઇ ગયા છે.
જે હાઇવેને બ્લોક કરી દેવાયા હતા તેમાં ફતેહબાદ-ચંડીગઢ, ગોલાના પાણીપત, જિંદ-પટિયાલા હાઇવે, અંબાલા-કુરૂક્ષેત્ર, દિલ્હી હાઇવે, હિસાર-ચંડીગઢ, કાલકા-ઝીરકપુર નેશનલ હાઇવેને જામ કરી દેવાયા હતા. હરિયાણા ભારતીય કિસાન યુનિયનના નેતા ગુર્નામસિંહે કહ્યું હતું કે હરિયાણા પોલીસે અત્યાચાર પૂર્વક લાઠીચાર્જ કરતા અનેક ખેડૂતો ગંભીર રીતે ઘવાયા છે. કર્નાલ પોલીસ દ્વારા અનેક ખેડૂતોની અટકાયત પણ કરાઇ છે. પોલીસે પોતાના બચાવમાં કહ્યું હતું કે ખેડૂતોએ હાઇવે જામ કરી રાખ્યો હતો તેથી અમે લાઠીચાર્જ કર્યો હતો.
ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે અમે કર્નાલમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવા બસ્તારા ટોલપ્લાઝા પાસે એકઠા થયા હતા. પોલીસને આદેશ અપાયો હતો કે ભાજપના નેતાઓના સ્ટેજ તરફ જો કોઇ ખેડૂત જાય તો તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે.
અમારા શાંતિપૂર્વક ચાલી રહેલા પ્રદર્શન પર પોલીસ દ્વારા બર્બરતા પૂર્વક લાઠીચાર્જ કરાયો હતો. કોંગ્રેસના નેતા રણદીપ સુર્જેવાલાએ કહ્યું હતું કે હરિયાણાની ભાજપ અને જેજેપીની સરકારને જનરલ ડાયર સરકાર ગણાવી હતી અને ખેડૂતો પરના લાઠીચાર્જને સરકાર દ્વારા કરાયેલો અત્યાચાર ગણાવ્યો હતો. સાથે જ ઘટનાને જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવી હતી.
બીજી તરફ એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં સૃથાનિક ડયૂટી મેજિસ્ટ્રેટ પોલીસને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જે પણ ખેડૂત આગળ વધે તેનું માથુ ફોડી નાખજો. બીજી તરફ પોલીસ દ્વારા એ જ પ્રકારનો લાઠીચાર્જ કરાયો છે જેમાં અનેક ખેડૂતોના માથા ફોડી નાખવામાં આવ્યા છે.
કર્નાલના એસડીએમ આયુષ સિન્હાનો આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ પોલીસને આદેશ આપી રહ્યા છે કે જે પણ આવે તેનું માથુ ફુટેલુ હોવું જોઇએ, તમે હેલમેટ પહેરી લો. લાઠી ચલાવજો, કોઇ આગળ વધવુ ન જોઇએ. ડયુટી મેજિસ્ટ્રેટનો આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે અને અનેક લોકો તેની ટીકા કરી રહ્યા છે.