ભારતના 7 મેડલ
- શૂટિંગમાં ગોલ્ડ મેડલ.
- ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ.
- ડિસ્ક થ્રોમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ.
- હાઇ જમ્પમાં સિલ્વર મેડલ.
- જેવલિન થ્રોમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ.
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતની અવની લખેરાએ મહિલાઓની 10 મીટર AR રાઇફલ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં 249.6 પોઇન્ટ મેળવ્યા હતા, જે ડિસેમ્બર 2018માં યુક્રેનની ઇરિના શેતનિક દ્વારા રચાયેલા વર્લ્ડ રેકોર્ડની બરાબર છે. ફાઇનલમાં ચીની શૂટર દ્વારા અવનીને કાંટાની ટક્કર આપવામાં આવી હતી, પરંતુ પછી તેણે પોતાના અચૂક નિશાનથી તેને હરાવી હતી.
ભારતના યોગેશ કથુનિયાએ F56 ડિસ્ક થ્રો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. સોમવારે તેના છઠ્ઠા અને છેલ્લા પ્રયાસમાં (44.38 મીટર, સિરીઝ શ્રેષ્ઠ) તેણે પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંક્યો અને મેડલ કબજે કર્યો. આ સિવાય દેવેન્દ્ર ઝાઝરિયાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો અને સુંદર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
અવની પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. આ રમતોની શૂટર સ્પર્ધામાં ભારતનો આ પહેલો મેડલ પણ છે. ટોક્યો પેરાલિમ્પિકમાં આ દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ પણ છે. પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનારી તે ત્રીજી ભારતીય મહિલા છે.
રવિવારે મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલ અને હાઇ જમ્પ એથ્લીટ નિશાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ વિનોદ કુમારની ડિસ્ક ફેંકની એફ 52 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ તેના ક્વોલિફિકેશન અંગેના વિરોધને કારણે રોકી દેવામાં આવ્યો હતો.
ભારતીય પેરાલિમ્પિક સમિતિની પ્રમુખ દીપા મલિક રિયો પેરાલિમ્પિક 2016માં, તે ગોળાફેંકમાં સિલ્વર મેડલ જીતીને આ રમતોમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.
અવની પહેલા ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં મુરલીકાંત પેટકર (પુરુષોની સ્વિમિંગ, 1972), દેવેન્દ્ર ઝાઝરિયા (પુરુષોની ભાલાફેંક, 2004 અને 2016) અને મરિયપ્પન થંગાવેલુ (મેન્સ હાઇ જમ્પ, 2016)એ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અવનીએ અગાઉ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 21 શૂટર્સ વચ્ચે સાતમા સ્થાન પર રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે 60 શ્રેણીમાં છ શોટ બાદ 621.7નો સ્કોર કર્યો હતો, જે ટોચના આઠ નિશાનેબાજોમાં સ્થાન મેળવવા માટે પૂરતો હતો.
ચીનની કુઇપિંગ અને યુક્રેનના શેતનિકે ક્વોલિફિકેશનમાં 626.0 ના પેરાલિમ્પિક રેકોર્ડ સાથે પ્રથમ બે સ્થાન મેળવ્યું હતું.