લોહીલુહાણ ખેડૂતો અને મેજિસ્ટ્રેટનો વીડિયો વાઇરલ થતા ભીસમાં આવેલી હરિયાણાની સરકારમાં ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ મૌન તોડયું હતું અને દાવો કર્યો હતો કે માથુ ફોડવાનો આદેશ આપનારા ડે. મેજિસ્ટ્રેટ સામે કાર્યવાહી થશે. જોકે વિપક્ષ આરોપો લગાવી રહ્યો છે કે ખુદ ખટ્ટર સરકારના આદેશથી જ ડે. મેજિસ્ટ્રેટે માથા ફોડી નાખવા કહ્યું હતું.
બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ ખેડૂતો પર થયેલા લાઠીચાર્જની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તાલિબાની માનસિક્તા ધરાવતી સરકારે આ લાઠીચાર્જ કરાવ્યો છે. રાકેશ ટિકૈતે આ સાથે જ કર્નાલના ડેપ્યૂટી મેજિસ્ટ્રેટ આયુષ સિન્હા કે જેમણે માથા ફોડવા પોલીસને આદેશ આપ્યો હતો તેમને પહેલા સરકારી તાલિબાની જાહેર કર્યા હતા. અને કહ્યું હતું કે તમે જો અમને ખાલિસ્તાની કહેશો તો અમે તેમને તાલિબાની કહીશું. ટિકૈતે કહ્યું હતું કે અમે ભારતમાં પહેલા સરકારી તાલિબાનીને શોધી કાઢ્યો છે.
ખેડૂતોના માથા ફોડી નાખવાની આ ઘટનાને લઇને મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ માગણી કરી છે કે આવા આદેશ આપનારા એસડીએમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવે અને સાથે જ તેમણે હરિયાણાની ખટ્ટર સરકાર પાસે ખેડૂતોની માફી માગે તેવી પણ માગણી કરી હતી. સત્યપાલ મલિક આ પહેલા પણ ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે કહ્યું કે માથા ફોડી નાખવાના આદેશ આપનારા એસડીએમ નોકરીમાં રહેવાને લાયક જ નથી, જ્યારે ખટ્ટર સરકાર તેમને રક્ષણ આપી રહી છે.
600 ખેડૂતોના મોત થયા છતા સરકાર દ્વારા કોઇ જ દુ:ખ વ્યક્ત કરવામાં ન આવ્યું. હું ખેડૂતનો પુત્ર છું અને તેમની મુશ્કેલીઓ સારી રીતે જાણુ છું. હરિયાણાના મુખ્યમંત્રી જાણી જોઇને ખેડૂતો પર લાઠીચાર્જ કરાવી રહ્યા છે. માથુ તો મેજિસ્ટ્રેટનું પણ ફુટી શકે છે. તેમના ઉપર જે બેઠેલા છે તેમનું પણ ફુટી શકે છે. ખટ્ટર સાહેબના ઇશારા વગર આવુ ન થઇ શકે. હું મારા ખેડૂતો માટે બોલતો રહીશુ પરીણામ જે આવે તે.