ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર ભારતી એરટેલ બોર્ડે રવિવારે રાઇટ્સ ઈશ્યૂ દ્વારા રૂ. 21000 કરોડ એકત્રિત કરવા માટે અપ્રૂવલ આપી દીધુ છે. તેના માટે 535 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ રાખવામાં આવી છે. કંપનીની યોજના આ ફંડનો ઉપયોગ પોતાના એક્સપેન્શન અને 5G સર્વિસિઝ લોન્ચ કરવા માટે કરવાનો છે. કંપનીના શેર સોમવારે BSE પર 1 ટકા તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. ભારતી એરટેલે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે, તેના બોર્ડે પ્રત્યેકની 5 રૂપિયા ફેસ વેલ્યૂવાળા ઈક્વિટી શેર્સ પાત્ર શેરહોલ્ડર્સને બહાર પાડી રૂ. 21,000 કરોડ એકત્રિત કરવાની મંજૂરી આપી છે. શેરહોલ્ડર્સને દર 14 શેર પર એક શેર ખરીદવાનો અવસર મળશે, જોકે સમય મર્યાદાનો ઉલ્લેખ કરાયો નથી, પરંતુ 25 ટકા અગાઉ ચૂકવણી કરવામાં આવશે અને બાકીના આગામી 36 મહીનામાં જરૂરિયાત અનુસાર બોલાવવામાં આવશે. કંપનાની ફાઉન્ડર અને ચેરમેન સુનીલ મિત્તલ આ ઇશ્યૂમાં શેર્સ ખરીદશે.
સોમવારે ભારતી એરટેલના શેર લગભગ 25 રૂપિયાની દમદાર તેજીથી 620.45 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. સવારે આ શેર લગભગ 1 રૂપિયાની તેજીની સાથે 596 રૂપિયા પર ખુલ્યા હતા, જેના પર સાંજે રાઇટ ઈશ્યૂના સમાચારની અસર દેખાઇ હતી. દિવસના વેપારમાં એરટેલના શેરમાં ઘટાડો પણ થયો અને 590.10 રૂપિયા સુધી પહોંચી ગયા, પરંતુ તે 625ની ઉચ્ચત્તમ સપાટી પર પણ પહોંચ્યા હતા. આજે આ શેરની અત્યારની કિંમત 635ની આસપાસ છે.
મિત્તલે જણાવ્યું કે, ટેલ્કો ટેરિફ વધારવામાં સંકોચ નહીં કરે. આ નાણાંકીય વર્ષમાં ARPU રૂ. 200 સુધી જવાની આશા પણ છે. તેમણે એમ પણ કહ્યું કે, આ કોઇ પ્રમોટરનો સ્ટેક વેચવાની યોજના નથી. મિત્તલે વધુમમાં સ્પષ્ટતા કરી કે, એરટેલ ઇન્ડસ ટાવર્સમાં હિસ્સો વધારવા માટે રાઇટ્સ ઇશ્યૂ ફંડનો ઉપયોગ નહીં કરે. અન્ય ફાઉન્ડર ગ્રુપ પણ શેરની ખરીદીમાં ભાગ લેશે.
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે કહ્યું કે, આ રકમમાં થયેલ વધારો આશ્ચર્યજનક છે, કારણ કે મેનેજમેન્ટે તેના તાજેતરના કોલ્સમાં જણાવ્યું છે કે તેની લીવરેજ અને લીક્વિડીટી પોઝીશન આરામદાયક અને આત્મનિર્ભર છે. તમામ વર્ટિકલ પર સારી એફસીએફ જનરેશન સાથે આગળ કોઇ મૂડીની જરૂરિયાત નથી. મેમોમાં જણાવ્યા અનુસાર, “મૂડીમાં થયેલ અનઅપેક્ષિત વૃદ્ધિ ટૂંકાગાળામાં નકારાત્મક પ્રતિસાદ તરફ દોરી શકે છે, પરંતુ અમે આગામી 12 મહિનામાં કમાણીની સારી તકો જોઇ રહ્યા છીએ.”
બ્રોકર્સે ‘બાય’ રેટિંગ આપી છે. આગામી 2-4 મહીનામાં ટેલિકોમ ઓપરેટર મોટા પ્રમાણમાં લાભ મેળવી શકે તેવી સ્થિતિમાં પણ છે. અન્ય એક બ્રોકરેજ એમ્કે ગ્લોબલે શનિવારે જણાવ્યું હતું કે, ટેરિફ વધ્યા પછી અને વોડાફોન-આઇડિયાની નાણાંકિય સ્થિતિમાં નોંધપાત્ર નબળાઇ બાદ ડ્યુપોલિસ્ટિક માર્કેટની સંભાવના વચ્ચે એરટેલનો શેર છેલ્લા 2-3 વર્ષમાં સેન્સેક્સમાં (22-37bps દ્વારા) સારો દેખાવ કરી રહ્યો છે. તે રૂ. 730ના લક્ષ્યાંકિત કિંમત સાથે સ્ટોક પર ‘બાય’ રેટિંગ ધરાવે છે.
એમ્કેના જણાવ્યા અનુસાર, ભારતી ટેલિકોમ ક્ષેત્રમાં અમારો અપેક્ષિત દાવ જોડાયેલો છે, જે બિઝનેસ સેગ્મેન્ટ્સમાં શ્રેષ્ઠ અને સતત અમલીકરણ અને VIL નબળું પડતાની સાથે ભારતના વાયરલેસ વેપાર ક્ષેત્રોમાં મેળવેલા લાભો પ્રદાન કરે છે. મતલબ કે FCF જનરેશન માટે ટેરિફ વધારો સર્વોચ્ચ મહત્વ ધરાવે છે.
તમે જાણો છો શું છે આ રાઈટ ઈશ્યુ?
સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની મૂડી એકત્રિત કરવા માટે રાઈટ્સ ઇશ્યૂ લાવે છે. રાઇટ્સ ઇશ્યૂ દ્વારા કંપની પોતાના શેરધારકોને વધુ શેર ખરીદવાનો અવસર આપે છે. રાઇટ્સ ઇશ્યૂ અંતર્ગત શેરધારક નિશ્ચિત સંખ્યામાં વધુ શેર ખરીદી શકે છે. કંપની આ લિમિટ નક્કી કરે છે. જો કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ માટે 1:4નું પ્રમાણ નક્કી કર્યુ છે, તો તેનો અર્થ છે કે શેરધારકને પહેલાથી જ તેની પાસે રહેલા 4 શેર પર 1 વધારાનો શેર ખરીદવાનો અવસર મળશે. રાઇટ્સ ઈશ્યૂ માટે સમયની જાહેરાત કંપની કરે છે. નિશ્ચિત સમયમાં તે રોકાણકારોને વધારાના શેર ખરીદવાનો અવસર આપે છે.