સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાના એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં રિયલ સ્ટેટ કંપની સુપરટેકને મોટો આંચકો આપ્યો છે. કોર્ટે સુપરટેકને નોઇડા એક્સપ્રેસ સ્થિત એમરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટના 40 માળના બે ટાવરો એપેક્સ અને સ્યાનને ગેરકાયદે ગણાવ્યા છે અને ત્રણ મહિનાની અંદર તેમને તોડી પાડવાનો આદેશ આપ્યો છે.
પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે બિલ્ડર કંપનીને આ બંને ટાવરોના 1000 રોકાણકારોને 12 ટકા વ્યાજની સાથે પૂરી રકમ પરત કરવી પડશે. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. આ ઉપરાંત રેસિડન્ટ્સ વેલફેર એસોસિએશનને બે કરોડ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
નિર્માણ દરમિયાન થયેલી સતામણી બદલ આ બે કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીસઆરની અગ્રણી રિયલ્ટી કંપની સુપરટેક લિમિટેડની એ અરજી પર આજે ચુકાદો આપ્યો હતો. જેમાં નોઇડામાં એમરાલ્ડ કોર્ટ પરિયોજનામાં 40 માળના બે ટાવરોને ધ્વસ્ત કરવા સંબધી અલ્લાહબાદ હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો.
અલ્લાહાબાદ હાઇકોર્ટે નિયમોના ભંગ બદલ ટાવરોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો છે. આજની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ અલ્લાહાબાદ હાઇકોર્ટના આદેશને યોગ્ય ઠેરવતા હાઉસિંગ પ્રોજેક્ટમાં રિયલ એસ્ટેટ કંપની સુપરટેક દ્વારા બનાવવામાં આવેલ બે 40 માળના ટાવરોને તોડવાનો આદેશ આપ્યો છે.
પોતાના ચુકાદામાં કોર્ટે જણાવ્યું છે કે આ ગેરકાયદે નિર્માણ નોઇડા ઓથોરિટી અને સુપરટેકના અધિકારીઓની વચ્ચેની સાઠગાંઠનું પરિણામ છે. આ ચુકાદા પછી રિયલ્ટી કંપની સુપરટેક લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે 40 માળના બે ટાવર તોડી પાડવાના સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ રિવ્યુ પીટીશન દાખલ કરશે.