BCCIનો નિર્ણય: IPL 2022 માં અમદાવાદની ટીમની એન્ટ્રી પાક્કી

ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી ૨૦૨૨ની IPLથી વધુ બે ટીમ જાહેર કરવાની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ એક અંદાજ પ્રમાણે આ બે ટીમના ઉમેરાને લીધે અંદાજે રૃપિયા ૫૦૦૦ કરોડથી વધુ રકમથી તેની તિજોરી ભરી શકશે.

આમ તો છેલ્લા બે વર્ષથી આઇપીએલમાં બે ટીમ ઉમેરવાની વાત ચાલતી હતી જેમાં અમદાવાદની ટીમ નિશ્ચિત બીડમાં સફળતા મેળવશે તેમ મનાતું હતું પણ અમદાવાદની ટીમનું હોમ ગ્રાઉન્ડ મોટેરા સ્ટેડીયમ કે હવે વડાપ્રધાન મોદીના નામ પરથી ઓળખાય છે તે નિર્માણધીન હતું અને તે પછી કોરોનાને લીડે આઈપીએલ જ અસ્તવ્યસ્ત થઇ ગઈ. હજુ ૨૦૨૧ની આઈપીએલ પણ અધુરી છે જે યુએઈમાં આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બાકીની મેચો અને ફાઈનલ સાથે પૂરી કરાશે.

હવે તેના પછીની આઇપીએલ ૨૦૨૨માં રમાશે. એવી આશા રખાય છે કે આવતા વર્ષે માર્ચમાં કોરોના આઇપીએલ ઘરઆંગણે યોજવા માટે બાધારુપ નહીં નીવડે અને પ્રેક્ષકો પણ વિશ્વના સૌથી વધુ પ્રેક્ષકો સમાવતા અમદાવાદના સ્ટેડીયમમાં મેચ માણી શકશે. જે બે ટીમને આઈપીએલમાં ૨૦૨૨થી સામેલ થવું હોય તે માટેની પ્રક્રિયા પારદર્શક રહેશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે ખાતરી આપી છે અને ટેન્ડર માટેના તેવા નિયમો બનાવ્યા છે. એવું માનવામાં આવે છે કે અમદાવાદ, પૂણે અને લખનૌએ ત્રણ ટીમ માટે તો કંપનીઓમાં મુખ્ય સ્પર્ધા જામશે. અન્ય કોઈ શહેર માટે પણ કંપની આશ્ચર્ય સર્જતા ટેન્ડર ભરી શકે તો પણ નવાઈ નહીં કેમ કે આઈપીએલ ક્રિકેટ વિશ્વની સૌથી હાઈ પ્રોફાઈલ અને પ્રતિષ્ઠિત લીગ બની ચુકી છે.

આઈપીએલમાં હાલ આઠ ટીમ છે.જેમાં મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ, હૈદરાબાદ સનરાઈઝર્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ ઈલેવન, રાજસ્થાન રોયાલ્સનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં ચેન્નાઈ અને રાજસ્થાન સસ્પેન્ડ થઇ હતી ત્યારે ગુજરાત અને પુણેની ટીમનો સમાવેશ થયો હતો જે મર્યાદિત વર્ષ માટેનો જ કરાર હતો. મોટેરા સ્ટેડીયમ નવનિર્મિત થતું હતું ત્યારથી જ એવી હવા જામેલી કે અદાણી કંપની અમદાવાદની ટીમ ખરીદવામાં રસ બતાવશે. આ વખતે અદાણી ઉપરાંત ટોરેન્ટ, કોલકાતા સ્થિત આર પી સંજીવ ગોએન્કા ગ્રુપ, ઓરબિંદો ફાર્મા અને એક ખાનગી બેંક સહિત કેટલીક કંપનીઓને અમદાવાદ, પૂણે, લખનૌ, ગૌહાતી, ઇન્દોર, કોચી, રાયપુર, ઇન્દોર, ત્રિવેન્દ્રમ વગેરે માટે ટેન્ડર ભરવાની ઈચ્છા હોય તેમ જણાય છે.

ટેન્ડર ભરવાની આખરી તારીખ પાંચ ઓક્ટોબર રહેશે. જે કંપની આઈપીએલ ટીમ બનાવવા માંગતી હોય તેઓએ રૃપિયા દસ લાખ ભરીને ટેન્ડર ફોર્મ મેળવાના રહેશે. અગાઉ ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈપણ કંપની ટીમ ઉતારવા માંગતી હોય તો બેઝ પ્રાઈઝ રૃપિયા ૧૭૦૦ કરોડ રાખવા માંગતી હતી પણ હવે તે રૃપિયા ૨૦૦૦ કરોડ રાખવાનું નક્કી કરાયું છે. જે રીતે બીડ માટે હરિફાઈનું વાતાવરણ છે તે જોતા બે ટીમ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ રૃપિયા ૫૦૦૦ કરોડ જેટલી રકમ મેળવી શકશે તેમ મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *