કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે સાંજે છ વાગ્યા સુધીમાં ભારતે એક દિવસમાં સૌથી વધુ 1.09 કરોડ ડોઝ આપવાનો રેકોર્ડ કર્યો છે. તેમણે પાંચ દિવસની અંદર જ બીજીવાર એક કરોડથી વધુ ડોઝ મૂકવાની ઉપલબ્ધિ બદલ સમગ્ર દેશના વખાણ કર્યા છે. આરોગ્યમંત્રીએ 50 કરોડથી વધુ પહેલો ડોઝ અપાયાની ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવવામાં મદદ કરવા બદલ કોરોના વોરિયર્સ અને લોકોની લગનના પણ વખાણ કર્યા.
મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાના સૌથી મોટા રસીકરણ કેમ્પેઈન હેઠળ એક અન્ય ઉપલબ્ધિ મેળવવામાં આવી અને 50 કરોડ લોકો કોરોના રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે. આ ઉપલબ્ધિ મેળવવામાં મદદ પહોંચાડવા બદલ કોરોના વોરિયર્સ અને લોકોની લગનની પ્રશંસા કરું છું. તેમણે લખ્યું કે ભારતે આજે કોરોના રસીના એક કરોડ ડોઝ લીધા. સાંજે 6 વાગ્યા સુધીમાં 1.09 કરોડ ડોઝ લેવાનો એક દિવસનો રેકોર્ડ, ગણતરી હજુ ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત કોરોનાનો જોરદાર ઢબે મુકાબલો કરી રહ્યો છે.
ભારતને 10 કરોડ ડોઝ સુધી પહોંચવામાં 85 દિવસ લાગ્યા અને ત્યારબાદ 20 કરોડ સુધી પહોંચવામાં 45 દિવસ લાગ્યા. આ સાથે જ 30 કરોડ સુધી પહોંચવામાં બીજા 29 દિવસ અને દેશને 40 કરોડના આંકડે પહોંચવામાં અન્ય 24 દિવસ લાગ્યા હતા. છ ઓગસ્ટના રોજ 50 કરોડ ડોઝનો આંકડો પાર કરવામાં 20 દિવસ લાગ્યા. જ્યારે 25 ઓગસ્ટના રોજ 60 કરોડનો આંકડો પાર કરવામાં 19 દિવસ થયા.
સૂત્રના જણાવ્યાં મુજબ ભારત 114 દિવસના સમયગાળામાં 14 કરોડ ડોઝ લગાવી ચૂક્યું હતું જે વિશ્વ રેકોર્ડ છે. અમેરિકાએ આટલા ડોઝ આપવામાં 115 દિવસ અને ચીનને 119 દિવસ લાગ્યા હતા. સૂત્રએ જણાવ્યું કે આ અગાઉ 27 ઓગસ્ટના રોજ ભારતમાં એક દિવસમાં કોરોના રસીના એક કરોડથી વધુ ડોઝ અપાયા હતા. જે ન્યૂઝીલેન્ડની સમગ્ર વસ્તીને બે વાર ડોઝ આપવા જેવું છે.