જાહેર વિતરણ વ્યવસ્થામાં ફરી એકવાર મોટાં અને રાજ્યવ્યાપી કૌભાંડનો ઘટસ્ફોટ

અમદાવાદ પોલીસની ડિટેકશન ઓફ ક્રાઇમબ્રાંચે થોડાં સમય પહેલાં આ કૌભાંડ બેનકાબ કર્યું હતું. પરંતુ  ‘ગેમ સ્કેન’ અને ‘સેવ ડેટા’ નામક સોફટવેર, મોબાઇલ એપ્લીકેશન આધારિત આ કૌભાંડની પોલીસ તપાસની સમાંતરે પુરવઠા વિભાગે નોન લાઇવ ટ્રાન્ઝેકશન્સને પણ આવરી લઇને તપાસ આદરી છે. એકંદરે, રાજ્યના ૨૯ શહેર-જિલ્લામાં પથરાયેલું આ કૌભાંડ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાને આંબી ગયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદ ડી.સી.બી. આઇ.પી.સી.  કલમ ૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૭૧ (ખોટા દસ્તાવેજ બનાવીને તેનો સાચા કરીકે ઉપયોગ કરવો), ૧૨૦-બી (મદદગારી) ઉપરાંત આવશ્યક ચીજવસ્તુ ધારા તથા આઇ.ટી. એકટની કલમો હેઠળ ગુનો નોંધીને અત્યાર સુધીમાં ૪૮ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. આ પ્રકરણનાં તપાસનીશ અધિકારીઓએ જણાવ્યું કે મુખ્ય આરોપીઓ એવા દાંતાના ચાર શખ્સોએ ડિસેમ્બર-૨૦૧૯માં ઓનલાઇન સર્વર બેઝ્ડ એક સોફટવેર વિકસાવ્યું હતું. જેમાં રેશનકાર્ડ ધારકના નામ-સરનામું, રાશનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબરની ડેટા એન્ટ્રી કર્યા બાદ તેની ફીંગર પ્રિન્ટ નાખવાથી તેનાં નામનો અનાજનો જથ્થો જનરેટ થઇ શકે છે. વાયા વાયા રાશનના વેપારીઓનો સંપર્ક કરીને તેને આ કૌભાંડમાં સામેલ કરવા સોફટવેર વેચાતો પણ અપાતો હતો.

વેપારી મહિનાના અંતે તેને ત્યાં અનાજ લેવા નહીં આવેલા લાભાર્થીઓના નંબર મોકલી આપે એટલે સૂત્રધારો તે-તે નામના બિલ જનરેટ કરી આપતા. પ્રત્યેક બિલ પેટે જે-તે વેપારી પાસેથી તે રૂા. ૪૦ વસૂલતા અને સગેવગે થતાં અનાજની બાકી રકમ જે-તે વેપારી ઓળવી જતા હોય છે.

તપાસનીશોએ ઉમેર્યું કે રાજ્યભરમાં લગભગ ૪૦૦ આરોપી આ કૌભાંડમાં સામેલ જણાય છે અને પ્રત્યેક લાભાર્થના હિસ્સામાં અનાજની રકમ દર મહિને મહત્તમ રૂા. ૭૦૦ થી ૮૦૦ ની ગણતા હજારો ગરીબ પરિવારોના હિસ્સાનું કરોડો રૂપિયાનું સરકારી અનાજ બારોબાર વેંચી દેવાયાની પણ આશંકા જણાય છે.

નોંધનીય છે કે દર મહિને રાજ્ય સરકાર રાહત દરે અપાતા અનાજમાં એપ્રિલ-૨૦૨૦ થી કેન્દ્ર સરકારના મફત ઘઉં-ચોખા પણ ભળ્યા હોવાથી કૌભાંડનો આંક કલ્પનાતિત હોઇ શકે છે, જેને ભેદવા પુરવઠા વિભાગે પણ તપાસ શરૂ કરાવી છે. વ્યાજબી ભાવના જે દુકાનદારોના લોગ-ઇન આઇ.ડી. પોલીસ તપાસમાં બહાર આવ્યા એ વેપારીઓ ઉપરાંત પુરવઠા વિભાગે જ્યાં-જ્યાં નોન લાઇવ ટ્રાન્ઝેકશન્સ નોંધાયેલા જણાયા તે વેપારીઓને પણ તપાસમાં આવરી લીધા છે. જે પરવાનેદારો પ્રાથમિક દ્રષ્ટિએ ગુનામાં સંડોવાયા હોવાનું જણાશે તેના લાયસન્સ તાત્કાલિક ૩ મહિના માટે સસ્પેન્ડ કરાશે તેમ પણ પુરવઠા વિભાગમાના વિશ્વસ્ત સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ દુકાનોમાં વપરાતા કોમ્પ્યુટર, લેપટોપ, થબ્મ ડીવાઇસની તજજ્ઞાો મારફત ચકાસણી કરાવીને  તેમાં કોઇ જાતના અન્ય સોફટવેર કે થમ્બ ઇમ્પ્રેશન જેવી બાબતો સ્ટોર કરાય છે કે કેમ, એક જ બાયોમેટ્રિક ડીવાઇસનો એક કરતાં વધુ દુકાનોમાં ઉપયોગ થાય છે કે કેમ વગેરે ચેકીંગ ચાલી રહ્યું છે. આગળ ઉપર, ત્યાંના કાર્ડધારકોને જથ્થો મળ્યા બાબત તેના રહેણાંક સ્થળ હૈયાતીની, પાત્રતાની અને કુટુંબના સભ્યોની સંખ્યાની પણ ક્રોસ ચેકિંગ કરાશે.

વર્ષ ૨૦૧૦ આસપાસ રાશન વિતરણ બાયોમેટ્રિક સિસ્ટમ આધારિત કરાયું એ પછીથી તમામ લાભાર્થી રાશનકાર્ડ ધારકોના ફિંગર પ્રિન્ટ લેવામાં આવે છે. સસ્તા અનાજના કેટલાંક દુકાનદારો એ ફિંગર પ્રિન્ટ લેપટોપ અને ડેસ્કટોપ ઉપરાંત મોબાઇલ વર્ઝનવાળા ભેદી સોફટવેરથી પોતાના સેલફોનમાં પણ લઇ લે છે અને જે કાર્ડધારક રાશન લેવા ન આવતા હોય તેના ફિંગર પ્રિન્ટ ઇમ્પ્રેશન ખોલીને થમ્બ ઇમ્પ્રેશન કેચ કરતું ડિવાઇસ ચોકકસ રીતે તોડી નાખી સેન્ટરને મોબાઇલ સ્ક્રીનની સામે ધરી દે છે. આ રીતે ક્યુઆર કોડની જેમ ફિંગર પ્રિન્ટ સ્કેન થઇ જાય એટલે એ લાભાર્થીના હકકનું અનાજ ઓનપેપર ઉધારી દઇ પોતે સગેવગે કરી નાખે છે !

યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) દ્વારા પોતાના સોફટવેરમાં ડેવલપ કરવામાં આવેલા આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સમાં ખ્યાલ આવી જાય છે કે નોન લાઇવ ટ્રાન્ઝેકશન કેટલાં થયા. આથી, પુરવઠા વિભાગે પોતાની રીતે ચલાવાતી તપાસ ઉપરાંત ઉકત વિગતો યુઆઇડીએઆઇ પાસેથી પણ મંગાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *