ભારતીય બેટ્સમેનોએ હેડિંગ્લે બાદ ઓવલમાં પણ કંગાળ દેખાવનો સિલસિલો જારી રાખતાં ભારતના ટોચના સાત બેટ્સમેનો તો માત્ર ૧૨૭ના સ્કોર પર પેવેલિયન ભેગા થઈ ગયા હતા. કેપ્ટન કોહલીએ બાજી સંભાળવાનો પ્રયાસ કરતાં લડાયક ૫૦ રન ફટકાર્યા હતા. જે પછી ઈશાંતના સ્થાને ટીમમાં સમાવાયેલા ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે ૩૬ બોલમાં ૭ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૫૭ રન કર્યા હતા. ભારતે પ્રથમ ઇનિંગમાં ૬૧.૩ ઓવરમાં ૧૯૧ રન કર્યા હતા. ઈંગ્લેન્ડની શરૃઆત સારી રહી નહતી. તેમણે ઓપનરોનો સસ્તામાં ગુમાવ્યા હતા. તેમણે ૩ વિકેટે ૫૩ રન કર્યા હતા.
ઓવલમાં ભારતે ઈશાંત શર્માના સ્થાને શાર્દૂલ ઠાકુરને ટીમમા સમાવ્યો હતો. જોકે અશ્વિનને ધરાર તક ન આપવાના ભારતના નિર્ણયની ભારે ટીકા થઈ હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન રૃટે ટોસ જીતીને ભારતને બેટીંગમાં ઉતાર્યું હતુ. રોહિત શર્મા અને રાહુલની ઓપનિંગ જોડીએ પડકારજનક પરિસ્થિતિમાં મક્કમ શરૃઆત કરતાં ટીમને ૨૮ના સ્કોર પર પહોંચાડી હતી.
ટેસ્ટના પ્રારંભ બાદ નવમી ઓવરના અંતિમ બોલ પર રોહિત શર્મા વિકેટકિપર બેરસ્ટોના હાથે કેચઆઉટ થયો હતો અને વોક્સને પ્રથમ સફળતા મળી હતી. જે પછીની ચાર ઓવર મેડન જતાં બેટ્સમેનો પર દબાણ સર્જાયું હતુ. રાહુલ ૧૭ રનના સ્કોર પર રોબિન્સનની બોલિંગમાં એલબીડબલ્યુ થતાં ભારતે ૨૮ રને જ બીજી વિકેટ ગુમાવી હતી.
પુજારા ૪ રને એન્ડરસનની બોલિંગમાં વિકેટકિપર બેરસ્ટોના હાથે કેચઆઉટ થયો હતો. ભારતે રહાણે-પંતની આગળ જાડેજાને ઉતાર્યો હતો. જોકે તે ૧૦ રન જ કરી શક્યો હતો. કોહલીએ અડધી સદી ફટકારતાં ભારતને ૧૦૫ સુધી પહોંચાડયું હતુ. આ સમયે તે રોબિન્સનનો બીજો શિકાર બન્યો હતો. તેનો આબાદ કેચ પણ વિકેટકિપર બેરસ્ટોએ ઝડપ્યો હતો. રહાણે (૧૪) અને પંત (૯) પણ લાંબી ઈનિંગ રમી શક્યા નહતા. શાર્દૂલ ઠાકુરે વન ડે સ્ટાઈલમાં બેટીંગ કરતાં ૩૬ બોલમાં ૭ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૫૭ રન ફટકાર્યા હતા. તેની અને ઉમેશ યાદવ (૧૦) વચ્ચે આઠમી વિકેટમાં સર્વોચ્ચ ૬૩ રનની ભાગીદારી થઈ હતી. જોકે તે આઉટ થયો પછી ભારત ૬૧.૩ ઓવરમાં ૧૯૧ રનમાં જ સમેટાયું હતુ. વોક્સે ૫૫ રનમાં ચાર અને રોબિન્સને ૩ વિકેટ ઝડપી હતી.