અમેરિકાના પૂર્વ કાંઠે ઈડા વાવાઝોડાએ તરખાટ મચાવ્યો હતો. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કનેક્ટિકટ, મિસિસિપી, પેન્સિલવેનિયા જેવા રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. અમેરિકાના આઠથી દસ રાજ્યોમાં ઈડાના કારણે હાઈએલર્ટ જારી કરવામાં આવ્યો હતો. આ રાજ્યોમાં ૧૫૦ કિલોમીટર પ્રતિકલાકથી લઈને ૨૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
ઉત્તર-પૂર્વના શહેરોમાં આવનારી ૨૦૦ જેટલી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. કેટલાય વિસ્તારોમાં સબ-વે ટ્રેન સર્વિસ પ્રભાવિત થઈ હતી. ૨૦ જેટલી સબ-વે ટ્રેન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ન્યૂયોર્કના રસ્તામાં અસંખ્ય મોટરકાર પાણીમાં ડૂબી ગઈ હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં શેર થયા હતા. સબ-વે સ્ટેશન્સમાં પાણી ભરાઈ જતાં મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ સર્વિસ બંધ કરવી પડી હતી. અમુક
ટ્રેનને અધવચ્ચે અટકાવીને લોકોને રેસ્ક્યુ કરાયા હતા. લોકો કારમાં બેઠા હોય અને કાર પાણી-વાવાઝોડાંમાં ફસાઈ ગઈ હોય એવા દૃશ્યો પણ જોવા મળ્યા હતા. અમેરિકાના પાવરઆઈટએજના કહેવા પ્રમાણે ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેન્સિલવેનિયા, કનેક્ટિકટ, મિસિસિપી, લ્યુસિયાના, વર્જિનિયા, ડેલાવેર વગેરે રાજ્યોના ૧૧ લાખ કરતાં વધુ મકાનોમાં વીજળી ગૂલ થઈ જતાં લાખો લોકોએ અંધારામાં રાત વીતાવવી પડી હતી.
અમેરિકાના નેશનલ વેધર સર્વિસ વિભાગે વર્ષમાં પહેલી વખત ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. આ રાજ્યોના લોકોને ઘરની બહાર ન નીકળવાની તાકીદ કરવામાં આવી હતી. પ્રમુખ જો બાઈડને રાજ્યોના ગવર્નરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. સોશિયલ મીડિયાની પોસ્ટ્સમાં દાવો થયો હતો કે ન્યૂજર્સીના છેવાડાના વિસ્તારોમાં અસંખ્ય મકાનોને નુકસાન થયું છે. જોકે, સત્તાવાર રીતે કોઈ આંકડાં સરકારે જાહેર કર્યા ન હતા.