ગુજરાતભરમાં (Gujarat) સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી (weather forecast)કરી છે. જે મુજબ, રાજ્યમાં 8 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ દ્વારકા તાલુકામાં 1.5 ઈંચ તેમજ મેઘરજ, અબડાસા અને ભાણવડમાં એક-એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. 6 અને 7 સપ્ટેમ્બરના રોજ ફરીએકવાર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ પંચમહાલ, દાહોદ, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, દમણ, ગીર-સોમનાથ, જુનાગઢ, ભાવનગર, પોરબંદર, દ્વારકા, અમરેલી અને કચ્છ પંથકમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. જ્યારે 6 અને 7 સપ્ટેમ્બરના રોજ વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૃચ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.
4 સપ્ટેમ્બર, શનિવારે સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા નગર હવેલી તથા રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.
5 સપ્ટેમ્બર, રવિવારે પંચમહાલ, દાહોદ, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, દમણ, ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી તથા કચ્છમાં વરસાદની શક્યતા છે.
6 સપ્ટેમ્બર, સોમવારે પંચમહાલ, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે.
7 સપ્ટેમ્બર, મંગળવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના જેમાં વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવ તથા ઉત્તર ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
8 સપ્ટેમ્બર, બુધવારે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરુચ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ તથા દાદરા નગર હવેલી સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વિવિધ શહેરો, તાલુકાઓમાં વરસાદ વરસવાનું મુખ્ય કારણ છે. આ સિસ્ટમને કારણે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો.