ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દક્ષિણ ભારતના તિરુત્તનિમાં થયો હતો જે ચેન્નઈથી 64 કિમી ઉત્તર પૂર્વમાં છે, સર્વપલ્લી રાધાકૃષ્ણન આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. રાજનીતિમાં આવતા પહેલા તેમણે પોતાના જીવનના 40 વર્ષ અધ્યાપનને આપ્યાં હતાં. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું માનવું હતું કે શિક્ષણ વિના માણસ ક્યારેય લક્ષ્ય હાંસલ નથી કરી શકતો માટે માણસના જીવનમાં શિક્ષક હોવો ખુબ જરૂરી છે, કેમ કે ગુરુ વિના માણસ સાચી રીતે સફળતા ના મેળવી શકે.
ડૉ. રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. 1931માં અંગ્રેજો દ્વારા રાધાકૃષ્ણનને ‘સર’ની પદવી આપવામાં આવી હતી, જો કે આઝાદી પછી ઔપચારિક રીતે આ પદવીની માન્યતા રદ્દ થઇ હતી. જ્યારે તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા ત્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમના મહાન, દાર્શનિક અને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામ બદલ ભારત રત્ન આપી તેમનું સન્માન કર્યું હતું
ડૉ સર્વોપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા એક મહાન શિક્ષક હતા. માટે તેમના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણા જીવનમાં શિક્ષક જ્ઞાન પ્રદાન કરવાની સાથે જ જીવનને એક નવી દિશા પણ આપે છે. શિક્ષક જ્ઞાનનો સ્રોત હોય છે. શિક્ષકો વિદ્યાર્થીને જેવા બનાવવા માંગે તેવા વિદ્યાર્થીઓ બને છે અને એ જ વિદ્યાર્થી દેશનું આવનારું ભવિષ્ય હોય છે. શિક્ષકને હંમેશા ભગવાનના સ્થાને રાખનામાં આવે છે. એટલે જ આપણે ‘ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:’ કહીએ છીએ.
આપણા દેશની પહેલી મહિલા શિક્ષિકા, સમાજ સુધારક અને મરાઠી કવયિત્રી સાવિત્રીબાઈ ફુલેનો ઉલ્લેખ ન થાય ત્યાં સુધી શિક્ષક દિવસની વાત અધૂરી રહે છે. સાવિત્રીબાઈ ફુલે ભારતની ગર્લ્સ સ્કૂલના પહેલા પ્રિન્સિપલ હતાં અને પહેલી કિસાન સ્કૂલના સંસ્થાપક પણ હતાં. 1848માં એમણે પુણેમાં પહેલી મહિલા સ્કૂલ ખોલી હતી, લોકોને પ્રેમની ભાષા શીખવનાર સાવિત્રીબાઈને સામાજિક સુધાર આંદોલનમાં સૌથી મહત્વપૂર્ણ મહિલાના રૂપમાં જોવામાં આવે છે. તેમને મરાઠીના આદિકવિયત્રીના રૂપમાં પણ ઓળખવામાં આવતાં હતાં. તેઓ સમગ્ર દેશ માટે મહાનાયિકા હતાં.