રાજકોટ – અમદાવાદ હાઈ-વે પર રાજકોટથી 25 કિલોમીટર દૂર હીરાસર ખાતે આકાર લઈ રહેલા ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં રન-વે સહિતનું કામ હાલ આગળ વધી રહ્યું છે, જયારે ટર્મિનલ બિલ્ડિંગ માટેનો કોન્ટ્રાક્ટ અમદાવાદ સ્થિત એક કંપનીને રૂ 280 કરોડમાં ફાળવવામાં આવતાં ટૂંક સમયમાં ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ પણ સમાંતરે આગળ વધશે.
ટર્મિનલ બિલ્ડિંગનો અંદાજિત ખર્ચ રૂ ૩૨૦ કરોડ છે, જે સામે અમદાવાદની કંપનીને કોન્ટ્રાક્ટ રૂ ૨૮૦ કરોડમાં અપાઈ જતાં કંપનીના સ્ટાફે સ્થળ પર પહોંચીને જમીનનો કબ્જો સંભાળી લીધો છે તથા સાઈટ ઓફિસ બનતાં પહેલાં ટેન્ટ લગાવવા તજવીજ ચાલી રહી છે.
૧૦ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં નિર્માણાધિક આ એરપોર્ટ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા સોલાર પાવર સીસ્ટમ પણ હશે. તેનાં પ્રથમ તબક્કાનું કામ ઓગષ્ટ – ૨૦૨૨ સુધીમાં, ટર્મિનલ બિલ્ડિંગનું કામ ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં અને એકંદર આખો પ્રોજેકટ ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઈ જવાનો એરપોર્ટ ઓથોરિટીનો અંદાજ છે. જો બધું સમયસર પાર ઉતરતું રહે તો આગામી ઓગસ્ટમાં રન-વે પર એરક્રાફટ લેન્ડિંગ અને ટેઈક ઓફની ટ્રાયલ લેવાશે તથા માર્ચ – ૨૦૨૩માં ઈન્ટરનેશનલ એરપોર્ટ ધમધમતું થઈ જશે.
આજે રાજય સરકારના સિવિલ એવિએશન વિભાગના ડાયરેકટર હારિત શુક્લએ વર્કપ્રોગ્રેસનો વર્ચ્યુઅલ રીવ્યૂ કર્યો તેમાં જણાવાયું હતું કે, ૩૦૦૦ મીટર લંબાઈના રન-વેનું ૧૭૦૦ મીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે, બોકસ કલવર્ટ ડીઝાઈન માટે રાજય સરકારે રૂ ૧૦૪ કરોડ અને ૨૬ કરોડ એરપોર્ટ ઓથોરિટીએ ચૂકવવાના થાય છે. તેમાંથી અમૂક રકમ ટૂંક સમયમાં મળી જાય તો ચોમાસાં બાદ કામ પણ શરૂ થઈ જશે.
હીરાસર એરપોર્ટની ડીઝાઈન મુજબ જયાં રન-વે બની રહ્યો છે તે જ સ્થળે નજીકનાં ચેકડેમમાંથી ચોમાસાંમાં પાણીનું વહેણ નીકળતું હોવાથી રન-વેમાં પાછળથી બોકસ કલવર્ટ ડીઝાઈન ઉમેરવી પડી છે, જે હાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની મંજૂરી માટે મોકલાઈ છે. એરપોર્ટ ઓથોરિટીના હીરાસર ખાતે મુકાયેલા જનરલ મેનેજર લોકનાથ પાધેએ જણાવ્યું કે ”બ્રિજની માફક રન-વેની નીચેથી વહેણ પસાર થતું હશે પરંતુ એ વહેણ એરપોર્ટ પ્રિમાઈસીસની બહાર દેખીતું નજરે પડતું હશે, અંદર તો મોટી અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજની જેમ જ દેખાય નહીં તે રીતે પાણી વહેતું રહેશે.”