જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં ભાગલાવાદી અને પાકિસ્તાન પ્રેમી નેતા સૈયદ અલી શાહ ગીલાનીના મોત બાદ પણ શાંતિ રહી છે.
પાકિસ્તાને કાશ્મીરના લોકોની ગિલાનીના મોતને આગળ ધરીને ઉશ્કેરણી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે એ પછી પણ કાશ્મીરમાં કોઈ જગ્યાએ હિંસક પ્રદર્શન કે એવી કોઈ ઘટના બની નથી.
એ પછી કાશ્મીરના લોકો પણ શાંતિ ઈચ્છી રહ્યા હોવાની ચર્ચા હવે શરૂ થઈ છે. રાજ્યના પોલીસ વડાએ પણ બે દિવસ પહેલા કહ્યુ હતુ કે, હું જનતાનો આભાર માનુ છું કે તેમણે શાંતિ બનાવી રાખી છે.
ગયા બુધવારે ગિલાનીનુ બીમારીના કારણે તેમના ઘરે મોત થયુ હતુ. એ પછી તંત્ર દ્વારા સ્થિતિ વણસે નહીં તે માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી.તંત્રને હતુ કે, ગિલાનીના મોત બાદ કાશ્મીરમાં હિંસક દેખાવો થઈ શકે છે પણ તેનાથી વિતરીત કોઈ બબાલ થઈ નથી અને તેના પગલે જે નિયંત્રણો મુકાયા હતા તે પણ રવિવારથી ઉઠાવી લેવાયા છે.
ગિલાનીના ભાષણો સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હતા પણ તેમના મોત બાદ કોઈ જગ્યાએ ભીડ એકઠી થઈ હોય તેવુ પણ દેખાયુ નથી. માત્ર ગિલાનીના મોત બાદ જનાજામાં પાકિસ્તાની ઝંડો લગાવાયો હોવાની એક ઘટના બની હતી અને તેને લઈને પોલીસે કેસ પણ કર્યો છે.