રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં પણ અતિભારે વરસાદની આગાહી છે.
ભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના શહેરો જેવા કે સુરત, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં જૂનાગઢ, ગીરસોમનાથ, કચ્છ, દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.
ગત રાત્રિના પાછલા 14 કલાકમાં રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 100 કરતા વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 10 તાલુકાઓમાં 4 ઇંચથી 9 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીરસોમનાથના સુત્રાપાડામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરસોમનાથના વેરાવળ અને રાજકોટના ગોંડલમાં 6-6 ઇંચ વરસાદ નોંધાયો છે. તો માણાવદર, માળીયા અને બાબરામાં 5-5 ઇંચ વરસાદ વરસ્યો છે. સાથે જ વિસાવદર, ખાંભા, કેશોદ અને વંથલીમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અવિરત વરસી રહ્યાં છે. હજું પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના અનેક પંથકમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને કારણે પાણી જ પાણી થઇ ગયું છે.