કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ રાજસ્થાનના બાડમેરના ગંધવ ભાકાસર ખાતે નેશનલ હાઈવે-૯૨૫ પર ભારતીય હવાઈ દળના વિમાનો માટે ‘ઈમર્જન્સી લેન્ડિંગ ફિલ્ડ‘ (ઈએલએફ)નું ઉદ્ધાટન કર્યું હતું. એરફોર્સના હરક્યુલિસ સી-૧૩૦જે વિમાને નેશનલ હાઈવે પર ‘મોક ઈમર્જન્સી લેન્ડિંગ‘ કર્યું હતું. આ વખતે બંને કેન્દ્રીય મંત્રીઓ અને સીડીએસ બિપિન રાવત વિમાનમાં સવાર હતા. ઉપરાંત જગુઆર, સુખોઈ સહિત અન્ય ફાઈટર વિમાનોનું પણ લેન્ડિંગ કરાવાયું હતું.
નેશનલ હાઈવે-૯૨૫ ઉપર ઈમર્જન્સી લેન્ડિંગ સ્ટ્રીપનું ઉદ્ધાટન કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે બાડમેરની જેમ આખા દેશમાં કુલ ૨૦ ઈમર્જન્સી લેન્ડિંગ સ્ટ્રીપ્સ વિકસાવવામાં આવી રહી છે. કેન્દ્રીય માર્ગ મંત્રાલયની મદદથી અનેક હેલીપેડ પણ બનાવાઈ રહ્યા છે. આ સુવિધાઓ આપણા સુરક્ષા માળખાને મજબૂત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આ પ્રકારની સ્ટ્રીપ વિકસાવીને આપણે પડોશી દેશોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે અમે દેશની એકતા, વિવિધતા અને સંપ્રભુતાના રક્ષણ માટે કોઈપણ ભોગે ઊભા થવા સક્ષમ છીએ. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં સંરક્ષણ ક્ષેત્ર પર વધુ ખર્ચ કરવામાં આવશે તો દેશના વિકાસ પર અસર થશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ આજે નેશનલ હાઈવે પર ઈમર્જન્સી લેન્ડિંગ સ્ટ્રીપ જોઈને હું નિશ્ચિતપણે કહી શકું છું કે સંરક્ષણ અને વિકાસ સાથે-સાથે ચાલી શકે છે.
એનએચ-૯૨૫ દેશનો સૌપ્રથમ નેશનલ હાઈવે છે જેનો ઉપયોગ એરફોર્સના વિમાનોના ઈમર્જન્સી ઉતરાણ માટે થઈ શકશે. એરફોર્સના માલવાહક હરક્યુલિસ સી-૧૩૦જે વિમાન ઉપરાંત ફાઈટર પ્લેનો જગુઆર, સુખોઈ-૩૦ એમકેઆઈ, એએન-૩૨ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને એમઆઈ-૧૭વી૫ હેલિકોપ્ટરે પણ નેશનલ હાઈવે પર ઈમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ રાજસ્થાનના બાડમેર ખાતે સત્તા-ગાંધવ વિસ્તારમાં હવાઈદળ માટે ૩ કિ.મી. લાંબી ‘ઈમર્જન્સી લેન્ડિંગ ફિલ્ડ’ (ઈએલએફ) વિકસાવી છે. આ સુવિધા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ગગરિયા-બખાસર અને સટ્ટા-ગાંધવ વિસ્તારના નવ વિકસિત ટુ-લેન પેવ્ડ શોલ્ડરનો ભાગ છે, જેની કુલ લંબાઈ ૧૯૬.૯૭ કિ.મી. છે અને આ પ્રોજેક્ટ રૂ. ૭૬૫.૫૨ કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ ઈએલએફનું નિર્માણ ૧૯ મહિનામાં પૂરું કરાયું હતું.
દરમિયાન માર્ગ પરિવહન અને હાઈવે વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ પ્રસંગે હવાઈદળને વચન આપ્યું હતું કે, આર્મ્ડ ફોર્સીસના પ્લેન્સ માટે આ પ્રકારની ઈમર્જન્સી લેન્ડિંગ સ્ટ્રીપ દોઢ વર્ષના બદલે માત્ર ૧૫ દિવસમાં વિકસાવવામાં આવશે. ગડકરીએ ઉમેર્યું કે આર્મ્ડ ફોર્સીસે આ વિસ્તારમાં નાનું એરપોર્ટ બનાવવું જોઈએ. અહીં ૩૫૦ કિ.મી. વિસ્તારમાં કોઈ એરપોર્ટ નથી. નાના એરપોર્ટ માટે જમીન આપવાની પણ ગડકરીએ તૈયારી દર્શાવી હતી.