વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ-છોકરાઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ કહ્યું હતું કે PM મોદી વીડિયો-કોન્ફરન્સ દ્વારા સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું છે. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

200 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું
PMO મુજબ, સરદારધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા તરફ કામ કરાઈ રહ્યું છે. સરદારધામની વેબસાઇટ અનુસાર, અમદાવાદમાં બિલ્ડિંગનો પ્રથમ તબક્કો 200 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. એ અમદાવાદ-ગાંધીનગર સરહદી વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક 11,672 ચોરસફૂટ પર બાંધવામાં આવ્યું છે.

સરદારધામમાં 1600 વિદ્યાર્થી માટે રહેણાક સુવિધાઓ
સરદારધામમાં 1600 વિદ્યાર્થી માટે રહેણાક સુવિધાઓ, 1 હજાર કમ્પ્યુટર સિસ્ટમ્સ, ઇ-લાઇબ્રેરી, હાઇટેક ક્લાસરૂમ, જિમ, ઓડિટોરિયમ, 50 લક્ઝરી રૂમ સાથે રેસ્ટ હાઉસ અને રાજકીય બેઠકો માટે અન્ય સુવિધાઓ છે.

1000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી
આ ભવનમાં 1,000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, 450 બેઠક ક્ષમતા ધરાવતું સભાગૃહ, 1,000 લોકોની ક્ષમતાવાળા બે મલ્ટી-પર્પસ હોલ, ઇન્ડોર ગેમ્સ અને અન્ય સુવિધાઓ છે. ભવનની સામે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઊચી કાંસાની પ્રતિમા સ્થાપિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *