શહેરમાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થયા બાદ એક તરફ ધીમે ધીમે પ્રોપર્ટી માર્કેટ ઉંચકાઇ રહ્યું છે, તો બીજી તરફ હોટલ ઉદ્યોગ તેજી તરફ આગળ વધી રહ્યો હોય તેમ લાગે છે. શહેરની જાણીતી હોટેલ ગ્રાન્ડ ભગવતી(ટીજીબી)નું 50 કરોડમાં વેચાણ થયું છે. આટલી મોટી રકમમાં વેચાણ દર્શાવે છે કે, શહેરમાં ફરીથી હોટેલ ઉદ્યોગ અને પ્રોપર્ટી માર્કેટ તેજીમાં આવી રહ્યું છે.
રૂ. 50 કરોડમાં થયો સોદો
એસ.જી. હાઇવે પરની ગ્રાન્ડ ભગવતી હોટલનું 27 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બર દરમિયાન વેચાણ થયું છે. ગ્રાન્ડ ભગવતીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર સોમાણીએ વેચાણ કરેલ આ હોટેલ એઆઇએસ ટ્રેડેક્સ પ્રાઇવેટ લી.વતી તેના ડાયરેક્ટર ઇમ્તિયાઝ દેસાઇએ આ હોટલ ખરીદી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હોટલનો દસ્તાવેજ રૂ. 50 કરોડમાં થયો છે. બિલ્ડિંગનું કુલ ક્ષેત્રફળ 10575 ચો.મી છે. ત્યારે આ પ્રમાણે ગણીએ તો આ બિલ્ડિંગમાં પ્રતિ ચો.મી. 4728નો ભાવ ગણી શકાય.

ગ્રાન્ડ ભગવતીનું સંચાલન હાલના ડિરેક્ટર નરેન્દ્ર સોમાણી જ કરશે
ગ્રાન્ડ ભગવતીના વેચાણ બાદ પણ તેનું સંચાલન તો કેટલાંક સમય સુધી નરેન્દ્ર સોમાણીને હસ્તક રહેશે. ગ્રાન્ડ ભગવતીના નવા સંચાલકો પાસેથી આ જગ્યા લીઝ પર લેવાઇ હોવાનું જાણવા મળે છે. આ અંગે દિવસથી ગ્રાન્ડ ભગવતીના નરેન્દ્ર સોમાણીના સંપર્કનો ભાસ્કરે પ્રયાસ કર્યો હતો.
કોરોનાકાળમાં 25% હોટેલ-રેસ્ટોરાં બંધ થયા
અમદાવાદમાં અંદાજે 8 હજારથી વધુ હોટેલ-રેસ્ટોરાં ધમધમે છે. જોકે આ કોરોનાકાળના છેલ્લાં બે વર્ષમાં કર્ફ્યૂ-લોકડાઉનની સૌથી વધુ અસર હોટલ ઉદ્યોગ પર પડી છે. જેમાં ભાડે જગ્યા લઇને ચાલતી મોટાભાગની હોટલ-રેસ્ટોરાં બંધ પડ્યા હતા. હોટેલ- રેસ્ટોરાં ઉદ્યોગ એસોસિએશનના અંદાજ પ્રમાણે શહેરમાં 25 ટકા હોટેલ-રેસ્ટોરાં બંધ પડ્યાં છે.