ગાંધીનગર : સંવત્સરીના બીજા દિવસે મિચ્છામી દુક્કડમ કહીને વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યો છે ત્યારે ઝડપથી બદલાતા જતા રાજકારણમાં એવી અટકળોએ પણ જોર પકડયું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમય કરતાં વહેલી આવશે. જો કે સત્તાવાર રીતે આ અટકળોને બળ મળ્યું નથી, કેમ કે નવા મુખ્યમંત્રીને કામ કરવાનો સમય આપવામાં આવી શકે છે.
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે વિજય રૂપાણી જ્યારે રાજભવન પહોંચ્યા ત્યારે આશ્ચર્ય સાથે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તેમની સાથે જોડાયા હતા. આ બન્ને કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિ માટે કેન્દ્રનો ઇશારો હોઇ શકે છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી પદ માટે કેટલાક નામોની અટકળો ચાલી રહી છે ત્યારે આ બન્ને કેન્દ્રીય મંત્રીઓ પણ ચર્ચામાં આવી ગયા છે. મહત્વની બાબત એવી પણ જાણમાં આવી છે કે ગુજરાતના રાજકારણ સાથે હાલની સ્થિતિએ કોઇ લેવાદેવા નથી તેવા પ્રફુલ્લ પટેલ પણ ગુજરાત આવ્યા છે. તેમની હાજરી પણ સૂચક બની શકે છે.
પ્રફુલ્લ પટેલ ગુજરાતમાં રાજ્ય ગૃહમંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે અને અત્યારે તેઓ દિવ, દમણ, દાદરા નગર હવેલી અને લક્ષદ્રીપના એડમિનિસ્ટ્રેટર છે. મુખ્યમંત્રીની પસંદગીના કાર્યમાં જોડાવા માટે હાઇકમાન્ડના ઘણાં દૂત પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે તેથી વિવિધ નામોની અટકળો તેજ બની છે.