હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં બપોર સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, જ્યાં મોસમનો 45% વરસાદ વરસ્યો છે અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. મેઘ સાથે મેઘાનાં મંડાણ મંડાતાં હાલ ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. એમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગપૂલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજ કેડ સમાં પાણી ભરાયાં હતાં. સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદને કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.

વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ થયો છે. જેમાં મવડી ગામની નદીમાં પુર આવતા રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત કણકોટ ગામને જોડતો રસ્તો પણ ભારે વરસાદને પગલે બંધ થયો છે. રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજિયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે.

ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું
ધોધમાર વરસાદે રાજકોટમાં પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાંખી છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોર્પોરેશને દાવો કર્યો હતો કે આ વર્ષે રસ્તાઓ પર પાણી ભરાશે નહીં પરંતુ ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું હતું. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ
ગત રાતથી જ શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી વહ્યા હતા. બાદમાં 11 વાગ્યા બાદ ફરી મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. શહેરના વિવિધ રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા
રાજકોટ શહેરમાં ગત રાત્રિના 11 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે હાલ રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નીચાણના વિસ્તારોમાં આવેલાં અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 7.76 મીટર છે અને ડેમમાં 4492 ક્યૂસેક પાણીની આવક થઈ છે.


ગોંડલનો વેરી ડેમ 9 ઇંચથી ઓવરફ્લો થયો
ગોંડલમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ગોંડલનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો છે. ગોંડલ, કંટોલિયા અને વોરા કોટડા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 142.02 મીટર છે અને વેરી ડેમમાં 2093 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ગોંડલના બસ સ્ટેશન, કોલેજ ચોક, માંડવી ચોક, કપૂરિયા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ડેમમાં 932 ક્યૂસેક પાણીની આવક થઈ
જેમાં ગોંડલ તાલુકાના મોતીસર ડેમના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટિયાડી ગામ પાસેનો મોતીસર ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે અને ડેમના નીચાણના વિસ્તારમાં આવેલાં હડમતાળા, કોલીથળ અને પાટિયાળી ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 143 મીટર છે અને ડેમમાં 932 ક્યૂસેક પાણીની આવક થઈ છે.

ખોડાપીપર ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલાયો
હાલ અવિરત વરસાદને પગલે પડધરી તાલુકાના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમના નીચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખોડાપીપર અને થોરિયાળી તથા મોરબી જિલ્લાના ટૈકારા તાલુકાનાં ખાખરા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 55.27 મીટર છે અને ડેમમાં 1023 ક્યૂસેક પાણીની આવક છે.