વિજય રૂપાણીના ફોટાવાળી ૧૫-૧૫ કિલો અનાજની નોન વૂવન કેરીબેગ ગરીબો સુધી પહોંચતી રોકાવવા દોડધામ

ગુજરાતના રાજકીય તખ્તા પર ચાલી રહેલા ઘટનાક્રમની અસર જાહેર વિતરણ વ્યવસ્થા પર પણ વર્તાઈ છે. ગત રવિવારે મુખ્યમંત્રી બદલાઈ જતાં આઠ શહેર – જિલ્લામાં અગાઉ મોકલાઈ ચૂકેલી વિજય રૂપાણીના ફોટાવાળી ૧૫-૧૫ કિલોઅનાજની નોન વૂવન કેરીબેગ ગરીબો સુધી પહોંચતી રોકાવવા દોડધામ મચી ગઈ છે. તેમજ અન્ય જિલ્લાઓમાં પણ જો આવી કેરીબેગની ડીલીવરી મળી જાય ત ોરાશનની દુકાનોને વિતરિત કરવાને બદલે સરકારી ગોદામોમાં જ રાખી મૂકવાના ગાંધીનગરથી આદેશ છૂટયા છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને મફત ઘઉં – ચોખાનું વિતરણ થઈ રહ્યું છે, જેનો ત્રીજો તબક્કો ગત મે માસમાં શરૂ થયા બાદ આગામી નવેમ્બર (દિવાળી) સુધી ચાલવાનો છે. આ છેલ્લા તબક્કા માટે પુરવઠા નિગમે પ્રજાના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટાવાળી સેંકડો કેરીબેગ્સ છાપવાનો ઓર્ડર આપ્યો હતો. તા.૩ ઓગષ્ટે સરકારે અન્નોત્સવ મનાવ્યો ત્યારે આવી થેલીઓનું પ્રતીકાત્મક વિતરણ થયું પણ હતું. ભાજપ પોતે જે થેલીઓ છપાવીને આપી ચૂકયો છે એ તો અલગ.

પ્રસિધ્ધિ માટે આટલો ખર્ચ અપૂરતો હોય તેમ હવે પુરવઠા નિગમે અમદાવાદ શહેર – જિલ્લો તેમજ ગાંધીનગર, બોટાદ, ભરૂચ, બનાસકાંઠા, નર્મદા અને પાટણ જિલ્લાઓને તાકીદના મેસેજ છોડયા છે કે નિગમે નોન વૂવન ૧૫ કિલોની કેરી બેગનો જે વર્કઓર્ડર આપ્યો છે તેમાંથી આ જિલ્લાઓમાં કેરી બેગ્સ પહોંચી ચૂકી છે પરંતુ હવે તે પરત મેળવીને ગોદામમાં સંગ્રહ કરી દેવી. અન્ય જે જિલ્લાઓ માટે કેરીબેગ રવાના થઈ ચૂકી છે અને મળવી બાકી હોય તો તે જિલ્લાઓમાં કેરીબેગ્સ વ્યાજબી ભાવની દુકાનોને નહીં આપતા ગોદામોમાં સ્ટોક કરી દેવો.

આમ રાજયમાં ૧૭ હજાર જેટલી રાશનશોપ્સ પરથી કરોડો ગરીબોને અનાજ વિતરણ વખતે અનાજ ભરવા અપાનારી લાખો કેરી બેગ્સ વિજય રૂપાણીનો ફોટો હોવા માત્રના કારણે હવે નકામી પડી રહેશે, ઉપરાંત નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટાવાળી લાખો કેરી બેગ્સ નવી છપાવીને મકોલાય તો એ આંદણ વળી અલગ!

દરમિયાન, આ મહિને પણ રાશન વિતરણમાં ઢીલ થઈ છે. ૧૬૮૫૦ વેપારીઓએ સરકારને પૈસા ભરી દીધા છતા ંતેમાંના માંડ ૨૦થી ૨૫ ટકાને જ પૂરતો જથ્થો મળ્યો છે, જયારે મફત અનાજ પણ ૪૫૦૦ દૂકાનને પૂરેપૂરૂં અને ૫૫૦૦ને અડધું મળ્યું છે, ૭૦૦૦ વેપારીને માલ મોકલી જ નથી શકાયો ને વિતરણ શરૂ થવા જઈ રહ્યું છે!

રાજય સરકારના પુરવઠા નિગમ અને પુરવઠા વિભાગના અફસરો કહે છે કે, ”કેરી બેગ્સનું વિતરણ રોકવા પાછળનું કારણ એક સાથે વિતરણ કરી શકાય એ જ છે અને હાલ સ્ટોક પૂરો આવ્યો નથી જેટલી કેરીબેગ્સ જૂના મુખ્યમંત્રીના ફોટાવાળી છપાઈ ગઈ છે તેનું વિતરણ પણ થશે અને હવે જે નવી છપાશે તેમાં નવા મુખ્યમંત્રીનો ફોટો આવી જશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *