ભારત અગ્નિ-૫ પરમાણુ બેલાસ્ટિક મિસાઈલનું કરશે પરીક્ષણ, ચીને યુએનમાં ફરિયાદ કરી

એક તરફ અમેરિકા-બ્રિટન-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓકસ સંગઠનની રચના થઈ અને ત્રણેય દેશો વચ્ચે પરમાણુ સબમરીનનો કરાર થયો. બીજી તરફ ભારત આગામી દિવસોમાં અગ્નિ-પ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવાનું છે. આ બંને ઘટનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે.

ભારત આગામી દિવસોમાં અગ્નિ-પ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરે એવી શક્યતા છે. આ મિસાઈલની રેન્જ પાંચ હજાર કિલોમીટર સુધીની છે, જેના કારણે ચીનના કેટલાય શહેરો આ મિસાઈલની રેન્જમાં આવે છે. તેનાથી ગભરાઈ ગયેલાં ચીને યુએનમાં ફરિયાદ કરી છે.

યુએનના ૧૯૯૮ના પ્રસ્તાવને ટાંકીને ચીને ફરિયાદ કરી છે કે ભારત મિસાઈલનું પરીક્ષણ કરે તે યોગ્ય નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું હતું કે ભારતની બેલાસ્ટિક મિસાઈલના પરીક્ષણનો સવાલ છે ત્યાં સુધી એટલું જ કહી શકાય કે યુએનની સુરક્ષા પરિષદની શરત પ્રમાણે દક્ષિણ એશિયાની શાંતિ-સલામતી અને સુરક્ષા માટે પરમાણુ પરીક્ષણો કરવા યોગ્ય નથી. આખા વિસ્તારની શાંતિ માટે બધા જ દેશો જવાબદાર છે. ચીન આશા રાખે છે કે કોઈ પણ દેશ એવો કોઈ પ્રયાસ નહીં કરે કે જેનાથી વિસ્તારની શાંતિ જોખમમાં મૂકાય.

૧૯૯૮માં યુએનની સુરક્ષા પરિષદે ભારત અને પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો ન કરે તે માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ પ્રમાણે દક્ષિણ એશિયાની શાંતિ માટે પરમાણુ પરીક્ષણો ન થાય તેવી ભલામણ કરવામાં આવી હતી. એ કરાર પ્રમાણે પરમાણુ હથિયારોની તૈનાતી કે તેના પરીક્ષણોથી દૂર રહેવાનું હતું.

જોકે, ચીનનો આ વાંધો ઉપરછલ્લો અને પૂર્વગ્રહયુક્ત છે. પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને ચીન જ સમર્થન કરે છે અને મદદ આપે છે. ચીન પાકિસ્તાનને યુરેનિયમનો જથ્થો પૂરો પાડે છે. એટલું જ નહીં, પરમાણુ મિસાઈલો માટે ટેકનલોજી પણ ચીન પાકિસ્તાન સાથે શેર કરે છે. પાકિસ્તાનના પરમાણુ મિસાઈલોના પરીક્ષણોનો ચીને ક્યારેક વિરોધ કર્યો નથી. પરંતુ ભારતના પાંચ હજાર કિલોમીટરની રેન્જના મિસાઈલ પરીક્ષણોથી ચીન અકળાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *