હાલ કરજ હેઠળ ડૂબેલી વોડાફોન-આઈડિયા કંપનીએ રવિવારે દાવો કર્યો હતો કે, તેણે પુણેમાં 5જી ટ્રાયલ દરમિયાન 3.7 ગીગાબિટ પ્રતિ સેકન્ડની સૌથી વધુ ઝડપ હાંસલ કરી છે, જે ભારતના કોઈપણ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર દ્વારા સૌથી ઝડપી હાંસલ કરવામાં આવી છે.કંપનીએ ગાંધીનગર અને પુણેમાં મિડ-બેન્ડ સ્પેક્ટ્રમમાં 1.5 Gbps ડાઉનલોડ સ્પીડ રેકોર્ડ કરવાનો દાવો પણ કર્યો છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે 5G નેટવર્ક ટ્રાયલ માટે વોડાફોન આઈડિયાને પરંપરાગત 3.5 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ બેન્ડ તેમજ 26 ગીગાહર્ટ્ઝ જેવા ઉચ્ચ આવર્તન બેન્ડ ફાળવ્યા છે.કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વીઆઇ એ પુણે શહેરમાં ક્લાઉડ કોર, નેક્સ્ટ-જનરેશન ટ્રાન્સપોર્ટ અને રેડિયો એક્સેસ નેટવર્કના એન્ડ-ટુ-એન્ડ કેપ્ટિવ નેટવર્કની લેબ સેટ-અપમાં તેના 5 જી ટ્રાયલ્સને તૈનાત કર્યા છે. આ ટ્રાયલમા વોડાફોન આઈડિયાએ એમએમવેવ સ્પેક્ટ્રમ બેન્ડ પર ખૂબ ઓછી વિલંબ સાથે 3.7 જીબીપીએસથી વધુની ટોચની ઝડપ હાંસલ કરી છે.
આ વર્ષે મે મહિનામાં, DoT એ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન અને બાદમાં MTNL ની અરજીઓને મંજૂરી આપી હતી. ટેલિકોમ સાધનો બનાવતી કંપનીઓ-એરિક્સન, નોકિયા, સેમસંગ અને સી-ડોટ સાથે છ મહિનાની અજમાયશ માટે મંજૂરી આપવામાં આવી છે.
આ અઠવાડિયે સરકારે ટેલિકોમ રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ રાહત બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, વોડાફોન આઈડિયાને ફરીથી પોતાના પગ પર ઉભા રહેવા માટે જરૂરી મદદ મળશે. 31 માર્ચ 2021 સુધી વોડાફોન આઈડિયા પર કુલ જવાબદારી 1.9 લાખ કરોડ હતી. કંપની પર કુલ આઠ બેંકોનું કુલ 48, 000 કરોડનું બાકી છે .કંપનીએ વિવિધ બેન્કો પાસેથી 23 હજાર કરોડની સીધી લોન લીધી છે. બાકીના 25 હજાર કરોડ બેંકો દ્વારા ગેરંટી આપવામાં આવે છે.
બેંકોને અપેક્ષા છે કે ઓટોમેટિક રૂટ દ્વારા 100 ટકા એફડીઆઈનો માર્ગ સાફ કરવાને કારણે વોડાફોન આઈડિયા આ વર્ષે લગભગ 15-20 હજાર કરોડનું રોકાણ ઉભું કરી શકશે.એવું માનવામાં આવે છે કે કંપનીએ આગામી બે વર્ષ સુધી દેવાના સ્વરૂપે દર વર્ષે આશરે 6000 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.અહીં, ચાર વર્ષના મોરેટોરિયમના કારણે કંપનીની જવાબદારી નોંધપાત્ર રીતે વધશે.