ભારતમાં કોરોના વાઇરસના 30,256 કેસો સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3.18 લાખ નજીક પહોંચી ગઇ છે. બીજી તરફ કોરોનાને કારણે મૃત્યુ પામેલાની સંખ્યા 4.45 લાખ નજીક પહોંચી ગઇ છે. માત્ર 24 કલાકમાં જ કોરોનાથી 295 લોકોના મોત નિપજ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 13977એ પહોંચી ગઇ હતી. રવિવારે કોરોનાના 11,77,607 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેને પગલે કુલ ટેસ્ટનો આંકડો 55,36,21,766એ પહોંચ્યો હતો. દૈનિક પોઝિટિવિટી રેટ પણ હાલ 2.57 ટકા છે. છેલ્લા 21 દિવસમાં આ ટકાવારી ત્રણ ટકાથી પણ નીચે રહી છે.
કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીના 79.58 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે હજુ 15 લાખ ડોઝ પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજ્યો પાસે હાલ પાંચ કરોડથી પણ વધુ ડોઝ ઉપલબ્ધ છે. કોરોનાથી મૃત્યુ પામેલા 295 લોકોમાં 152 કેરળ, 49 મહારાષ્ટ્રના છે.
દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાંથી વિદેશોમાં રસીનો નિકાસ કરવાનું ફરી શરૂ કરવામાં આવશે. જોકે જે વધારાની રસી હશે તેને જ મોકલવામાં આવશે. વૈશ્વિક કોરોના મહામારી સામે પહોંચી વળવામાં ભારત પણ મદદ કરવા જઇ રહ્યું છે જે હેતુથી આ રસીની વિદેશોમાં નિકાસને છુટ આપવામાં આવશે.