બાંધકામના સ્થળે કામ કરતાં કામદારોની અવરજવરને કારણે કોરોના ફેલાતો હોવાનું જણાવી પોલીસે બાંધકામની સાઇટ પખવાડિયા માટે બંધ કરાવી દેતાં લોકડાઉન કરાયેલાં મેલબોર્ન શહેરમાં કામદારો વીફરતાં તેમણે સતત બીજે દિવસે મોટાપાયે દેખાવો કર્યા હતા.
પોલીસે બે હજાર કરતાં વધારે દેખાવકારોને વિખેરવા માટે મરીનો ભૂકો ધરાવતાં બોલ્સ અને રબ્બરની બુલેટ છોડી હતી. કોરોનાના લોકડાઉનના નિયમોનો ભંગ કરીને સંપત્તિને નુકશાન કરતા અને ફ્રી વેને બ્લોક કરતાં આ દેખાવકારોએ ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા પહોંચાડી હતી. પોલીસે તોફાનીઓને કાબૂમાં લેવા માટે 62 કરતાં વધારે દેખાવકારોની ધરપકડ કરી હતી.
દેખાવકારોની ફરતે ઘોડેસવાર પોલીસ તહેનાત હોવા છતાં દેખાવકારોએ તેમના આઠ કલાકના દેખાવો દરમ્યાન પથ્થરમારો કર્યો હતો અને પોલીસ ભણી બોટલો ફેંકી હતી. દેખાવકારોમાં માત્ર બાંધકામ કામદારો જ નહીં પણ ફરજિયાત રસીકરણના વિરોધીઓ અને લોકડાઉનનો વિરોધ કરનારાઓ પણ સામેલ હતા.
વિકટોરિયા રાજ્યના વડા ડાન એન્ડ્રયુએ નિવેદન જારી કરી જણાવ્યું હતું કે હિંસા અને અરાજકતા ફેલાવવાથી કોરોનાનો એકપણ કેસ ઘટશે નહીં ઉલટું આ દેખાવોને કારણે વાઇરસ વધારે પ્રસરશે.
સરકારના આદેશ અનુસાર તમામ બાંધકામ કામદારોએ આ સપ્તાહના અંત સુધીમાં કોરોનાની રસીનો એક ડોઝ તો લીધેલો હોવો જ જોઇએ. કામદારો રસી લે તે માટે આરોગ્ય ટીમે પખવાડિયા માટે કામ બંધ કરાવતાં કામદારોએ દેખાવો શરૂ કર્યા હતા.
દરમ્યાન દુનિયામાં કોરોનાના નવા બે લાખ કરતાં વધારે કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 230,024,054 થઇ હતી જ્યારે 3,847 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક 47,16,940 થયો હતો. યુએસએમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 43,116,439 થઇ છે જ્યારે મરણાંક 6,94,795 થયો છે.
યુએસએમાં સ્પેનિશ ફલુને કારણે અંદાજે પોણા સાત લાખ લોકોના મોત થયા હતા તેની સરખામણીમાં કોરોના મહામારીમાં વધારે લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. એક સદી અગાઉ યુએસની વસ્તી આજની સરખામણીએ ત્રીજા ભાગની હતી તે જોતાં ફલુએ દેશમાં ઘાતક સન્નાટો ફેલાવી દીધો હતો પણ કોરોના મહામારી પણ મોટી કરૂણાંતિકા બની ચૂકી છે.
1918-19માં ફલુની મહામારી ફેલાઇ ત્યારે પાંચ કરોડ લોકોના મોત થયા હતા. આજે કોરોના મહામારીમાં પણ મરણાંક ઝડપથી આ આંકડાની નજીક પહોંચી રહ્યો છે. યુનિવર્સિટી ઓફ મિશિગનના મેડિકલ હિસ્ટોરિયન ડો.હોવાર્ડ મર્કેલે જણાવ્યું હતું કે દરેક જણને રસી આપવાની હજી તક છે. યુએસમાં રોજ સરેરાશ 1900 જણાના મોત થાય છે.
દરમ્યાન જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ જણાવ્યું છે કે તેમની કોરોના રસીનો એક ડોઝ લેનારા જો બૂસ્ટર ડોઝ લે તો તેમનો એન્ટીબોડી પ્રતિભાવ સુધરે છે. કંપનીનો અગાઉનો ડેટા દર્શાવે છે કે તેમની કોરોના રસીનો એક ડોઝ લેવાથી આઠ મહિના સુધી કોરોનાનો ચેપ લાગવા સામે રક્ષણ મળે છે.
કંપની હવે એફડીએ પાસે બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી મેળવવા માગે છે. કંપનીની બાલ્ટીમોરમાં આવેલી ફેકટરીમાં પ્રોડકશન પ્રોબ્લેમને કારણે તેના લાખો ડોઝને અગાઉ ફેંકી દેવા પડયા હતા. બીજી તરફ યુકેમાં મલ્ટીવેરિઅન્ટ કોરોના રસી જીઆરટી-આર910ની પ્રથમ તબક્કાની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.
યુએસની ફાર્મા કંપની ગ્રીટસ્ટોન દ્વારા માંચેસ્ટર યુનિવર્સિટી એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી 60 કરતાં વધારે વયના લોકોને આ રસી આપવામાં આવી રહી છે. સેલ્ફ એમ્પલિફાઇંગ એમ-આરએનએ એટલે કે ટૂંકમાં એસએએમ નામની આ રસી સ્પાઇક અને નોન સ્પાઇક બંનેને એન્ટીજન્સ ડિલિવર કરે છે. આ ટ્રાયલમાં 20 વોલન્ટિયર્સ ભાગ લેશે અને તેનો ડેટા 2022ના પ્રથમ ત્રણ મહિનામાં આવી જશે.
દરમ્યાન યુરોપિયન સોસાયટી ફોર ઓન્કોલોજીની વાષિક કોંગ્રેસમાં રજૂ કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર કેન્સરના દર્દીઓમાં ત્રીજો બૂસ્ટર ડોઝ આપવાથી તેમના રક્ષણમાં વધારો થાય છે.
કોરોનાની રસી વિકસાવતી વખતે ક્લિનિકલ ટ્રાયલમાંથી કેન્સરના દર્દીઓને બાકાત રાખવામાં આવ્યા હતા. આ અભ્યાસ માટે નેધરલેન્ડની વિવિધ હોસ્પિટલોમાંથી 791 દર્દીઓને મોડર્નાની કોરોના રસીના બે ડોઝ આપવામાં આવ્યા હતા અને તેમના પર થતી અસરોને તપાસવામાં આવી હતી.