ભારતીય શેરબજારોમાં રિટેલ સહભાગમાં વધારાને કારણે એસટીટી વસૂલી પણ ઊંચી જોવા મળી રહી છે. વર્તમાન નાણાં વર્ષના ૧૬ સપ્ટેમ્બર સુધીમાં એસટીટી મારફત રૂપિયા ૧૨૦૦૦ કરોડ વસૂલી લેવાયા છે જે ગયા નાણાં વર્ષના આ ગાળા સુધીમાં રૂપિયા ૮૦૦૦ કરોડ વસૂલાયા હતા.
વર્તમાન નાણાં વર્ષમાં સિક્યુરિટીઝ એન્ડ ટ્રાન્ઝકસન્સ ટેકસ (એસટીટી)ની વસૂલીનો રખાયેલો રૂપિયા ૧૨૫૦૦ કરોડનો બજેટ ટાર્ગેટ ઘણો વહેલો એટલે કે સપ્ટેમ્બરમાં જ પૂરો થઈ જવાની તૈયારીમાં છે.
કોરોના પહેલાના નાણાં વર્ષ એટલે કે ૨૦૧૯-૨૦ના આ ગાળા દરમિયાન વસૂલીનો આંક રૂપિયા ૬૦૦૦ કરોડ રહ્યો હતો. શેરબજારો તેજીમાં છે અને દેશના અર્થતંત્રને લઈને રોકાણકારોનું માનસ એકદમ પોઝિટિવ હોવાથી એસટીટી મારફતની આવક અપેક્ષા કરતા વધુ રહી છે.
બેડ બેન્કની રચના, ટેલિકોમ ક્ષેત્ર માટે જાહેર કરાયેલા પેકેજ તથા ઓટો ક્ષેત્ર માટે પ્રોડકટ લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમને બજારે હકારાત્મક લીધી છે.
વર્તમાન નાણાં વર્ષના ૧૬ સપ્ટેમ્બર સુધીમાં કેન્દ્રની સીધા વેરાની વસૂલી બજેટ અંદાજના પચાસ ટકાને પાર કરી ગયાનો અહેવાલો હતા.રિફન્ડસ બાદ સીધા વેરા મારફતની આવક ગયા નાણાં વર્ષના આ ગાળાની સરખામણીએ ૭૩ ટકા જ્યારે કોરોના પહેલાના નાણાં વર્ષ એટલે કે ૨૦૧૯-૨૦ના આ ગાળાની સરખામણીએ ૨૮ ટકા વધુ રહી હોવાનું સરકારી આંકડામાં જણાવ્યું હતું. સીધા વેરાની વસૂલીના ઊંચા આંક પણ દેશમાં આર્થિક રિકવરીના સંકેત આપે છે