મુંદ્રા ડ્રગ્સ પ્રકરણની તપાસના તાર દિલ્હી, નોઈડા સુધી પહોંચતા ગત બે દિવસ સતત તપાસ અને દરોડાઓનો સિલસિલો ચાલ્યો હતો. કેંદ્ર સરકારના નાણા મંત્રાલયે આ અંગે સતાવાર નિવેદન આપતા દિલ્હીથી વધુ 16 કિલો હેરોઈન જપ્ત થયું હોવાનું જણાવ્યું હતું. જેથી અત્યાર સુધી આ પ્રકરણ સાથે જોડાયેલી તપાસમાં કુલ હેરોઈન ડ્રગ્સનો 3004કિલો જથ્થો જપ્ત થઈ ચુક્યો છે. તો આ સાથેની તપાસમાં કોકેઈન અને સંદિગ્ધ હેરોઈનનો જથ્થો પણ મળ્યો છે. આમ કુલ જપ્ત જથ્થાની કિંમતનો આંકડો 22 હજાર કરોડને પાર કરી રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ ની ગાંધીધામ શાખાએ મુંદ્રા પોર્ટ પર ઐતિહાસિક કાર્યવાહી કરીને ગત તા.13/09ના 2988કિલો હેરોઈનનો જથ્થો બે કન્ટેનરમાંથી પકડ્યો હતો. જે અફઘાનિસ્તાનના કંદહાર પોર્ટથી વાયા ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ થઈને આવ્યો હતો. આ પ્રકરણ સાથે સંકળાયેલી તમામ કડીઓના આધારે ન્યુ દિલ્હી,નોઈડા, ચેન્નઈ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હીના ગોડાઉનમાંથી 16.1 કિલો હેરોઈન મળી આવ્યું હતું. તો આ સાથે નોઈડાના રહેણાક ઘરમાંથી 10.2 કિલો સંદિગ્ધ કોકેઈન અને 11 કિલો સંદિગ્ધ હેરોઈનનો જથ્થો પણ જપ્ત કરાયો હતો.
આ દિશામા ચાલતી તપાસમાં જેની તપાસમાં પહેલાજ ડીઆરઆઈ આંધ્રપ્રદેશના વીજયવાડામાં નોંધાયેલી આયાતકાર પેઢી આશી ટ્રેડીંગ પ્રા. લી. ના માલીક દંપતી સુધાકર અને વૈશાલી ને ઝડપીને ભુજની જેલ હવાલે કરી ચુકી છે. ત્યારે હવે સતાવાર રીતે બહાર આવતી વિગતો અનુસાર 4 અફઘાનિસ્તાનના નાગરિકો, એક ઉઝબેકીસ્તાનનો નાગરીક અને બે આયાતકાર સહિત ત્રણ ભારતીય આમ કુલ 8ની ધરપકડ કરાઈ ચુકી છે.
મુંદ્રા પોર્ટમાં ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણમાં ડીઆરઆઈ દ્વારા ગત દિવસોમાં ગાંધીધામ, ન્યુ દિલ્હી, નોઇડા, ચેન્નઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી, વીજયવાડામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. હજુ પણ તપાસનો દોર આગળ ધપતો હોઇ બહાર આવતી કડીઓમાં વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવનારા હોવાનો સંકેત પણ અપાયો હતો.