ગુજરાત વિધાનસભાના 30મા અધ્યક્ષ તરીકે સોમવારે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સર્વાનુમતે ચૂંટાઇ આવશે. શાસક પક્ષ તરફથી અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્યનું નામાંકન કરાવવામાં આવ્યું હતું, જેની સામે ગુજરાત વિધાનસભાની પરંપરાને જાળવી રાખતાં વિપક્ષે આ પદ માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નથી. આમ સોમવારે વિધાનસભાના ચોમાસું સત્રની પ્રથમ બેઠકમાં ડો. નીમાબેન આચાર્યને તમામ સભ્યો સર્વાનુમતે અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢશે. તેઓ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલાં મહિલા વિધાનસભા અધ્યક્ષ બનશે.
આ અંગે વાત કરતાં નીમાબેને જણાવ્યું કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ લાવવા સંકલ્પ કર્યો હતો. સરકારમાં મહિલા અને બાળ વિકાસના અલગ વિભાગની રચના કરી તેમણે આનંદીબેન પટેલને તેના મંત્રી બનાવ્યાં. આનંદીબેનને જ તેમણે ગુજરાતના પહેલાં મુખ્યમંત્રી બનાવ્યાં અને કેન્દ્રમાં પોતાની સરકાર બન્યા બાદ સુમિત્રા મહાજનને લોકસભામાં અધ્યક્ષા બનાવ્યાં.
તેમણે વધુમાં કહ્યું કે આ અગાઉ કાર્યકારી અધ્યક્ષ તરીકે મેં વિધાનસભામાં કામ કર્યું છે, તેથી આ પદની કાર્યપ્રણાલીથી હું વાકેફ છું અને દરેક સભ્યને પ્રતિનિધિત્વનો સમાન અવસર મળે તે હું સુનિશ્ચિત કરીશ. આ સાથે જો કોઇ કડક નિર્ણય લેવાના થશે તો હું તે મક્કમતા સાથે લઇશ.
ડો. નીમાબેન આચાર્ય કચ્છમાંથી આવતાં ધારાસભ્યોમાં ત્રીજા એવા નેતા છે કે જેઓ વિધાનસભા અધ્યક્ષ બન્યા હોય. આ પહેલા કુંદનલાલ ધોળકીયા અને ધીરૂભાઇ શાહ કચ્છનું પ્રતિનિધિત્વ કરતા હતા અને અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. આ પૂર્વે નીમાબેને કાર્યકારી અધ્યક્ષ તરીકે વિધાનસભાનું સંચાલન કર્યું છે. નીમાબેનને અધ્યક્ષ પદે નીમવા માટેની દરખાસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમાં કરશે, જેને તમામ સભ્યો ટેકો જાહેર કરશે. જો કે ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ તરફથી શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ અને કોંગ્રેસ તરફથી ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાએ ઉમેદવારી પત્ર ભર્યાં છે તેથી આ પદ માટે સોમવારે જ ચૂંટણી થશે, અને બહુમતી હોવાથી ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ આ પદે ચૂંટાઇ આવે તેવી શક્યતા પૂરી છે.