દેશમાં કોરોના (Corona)ની બીજી લહેર ધીમી પડી રહી છે તેમ-તેમ લોકો બીજી લહેરની પરિસ્થિતીને ભૂલીને કોરોના અંગે બેદરકારી દાખવી રહ્યા છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે. પરંતુ કોરોનાનું જોખમ હજુ ટળ્યું નથી. નિષ્ણાંતો દ્વારા અનેકવાર કોરોનાની ત્રીજી લહેર અંગે આગાહી કરવામાં આવી છે. જેને કેન્દ્ર સરકાર પણ ગંભીરતાથી લઈ રહી છે.
કોરોનાની લહેર ફરી ન આવે તેમજ બીજી લહેર જેવી ભયંકર પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે સરકાર ખૂબ જ ચિંતીત છે. કારણકે કોરોના લોકોના આરોગ્યની સાથે સાથે દેશના અર્થતંત્ર પર પણ ગંભીર અસર કરે કરે છે. જેથી કોરોનાની ગંભીર અસરથી બચવા તેમજ આગામી લહેરનું જોખમ ટાળવા માટે કેન્દ્રીય ગૃહ સચિવ તરફથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં આગામી તહેવારોની સિઝનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ રાજ્યોને કેટલાક નિર્દેશો પણ આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે કોરોનાને રોકવા માટે કોરોના નિયમોને લંબાવ્યા છે. 31 ઓક્ટોબર સુધી તમામ નિયમો લંબાવવામાં આવ્યા છે. આ સાથે જ કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે જો બેદરકારી રાખવામાં આવે તો કોરોનાના કેસો ફરી વધી શકે છે.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ચેતવણી આપી હતી કે આગામી તહેવારોની સીઝનમાં કોવિડને લઈને લોકો બેદરકારી દાખવી શકે છે તેમજ કોરોનાની ગાઈડ લાઈન કે નિયમોનું પાલન ન કરે તો કોરોના તહેવારો પછી વધી શકે છે. જેને લઈને સરકાર ચિંતીત છે.
કેન્દ્રીય ગૃહ સચિવે કહ્યું કે કોવિડ -19 કેસોની સંખ્યામાં ઘટાડો હોવા છતાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવું એ મહત્વપૂર્ણ છે, જેથી તહેવાર સાવધાની સાથે સલામત રીતે અને કોવિડથી બચીને ઉજવી શકાય. ભલ્લાએ કહ્યું કે દેશમાં કોવિડના દૈનિક કેસો અને દર્દીઓની કુલ સંખ્યા ઝડપથી ઘટી રહી છે, પરંતુ વાયરસ કેટલાક રાજ્યોમાં સ્થાનિક રીતે ફેલાઈ રહ્યો છે અને દેશમાં કોવિડ -19 એક જાહેર આરોગ્ય પડકાર છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે “તે કાર્યક્રમોમાં મોટી સાવધાની રાખવી જોઈએ, જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે. જેથી કોવિડ -19ના કેસોમાં વધારો થવાની શક્યતાને ટાળી શકાય.” તેમાં કહેવામાં આવ્યું છે કે મેળાઓ, તહેવારો અને ધાર્મિક કાર્યક્રમોમાં લોકોની મોટી ભીડ ઉમટતી હોય છે. જે દેશમાં કોવિડ -19ના કેસોમાં વધારો કરી શકે છે.
આ સાથે જ ગૃહ સચિવે એમ પણ કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ દરેક જિલ્લામાં સંક્રમણ દર કડક નજર રાખવી જોઈએ. સાથે સાથે હોસ્પિટલો તેમજ આઈસીયુમાં ઉપલબ્ધ બેડની સંખ્યા પર પણ નજર રાખવી જોઈએ. તેમણે કહ્યું કે જે જિલ્લાઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે હોય તો તે જીલ્લાના સંબંધિત વહીવટીતંત્રે સક્રિય પગલાં લેવા જોઈએ, જેથી કેસોમાં વધારો અટકાવી શકાય અને વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય.
ભલ્લાએ કહ્યું કે એ પણ મહત્વનું છે કે કેસોમાં વધારો થવાની સંભાવનાની ચેતવણી ચિહ્નોને વહેલી તકે ઓળખવામાં આવે અને ફેલાવાને નિયંત્રિત કરવા માટે પગલાં લેવામાં આવે. તેમણે કહ્યું “આ માટે સ્થાનિક અભિગમની જરૂર પડશે, જેનો ઉલ્લેખ 21 સપ્ટેમ્બર 2021ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સલાહમાં કરવામાં આવ્યો છે.”