હિંદુ ધર્મમાં નવરાત્રિ(Navaratri) મહત્ત્વનો તહેવાર છે, કારણ કે સતત નવ દિવસ સુધી મા દુર્ગાના અલગ અલગ રૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતમાં આ નવ દિવસ ગરબાની ધામધૂમ રહે છે. આ વર્ષે નવરાત્રિ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ઉજવાશે. મા દુર્ગાને દેવીઓનું સૌથી શક્તિશાળી રૂપ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, મા દુર્ગાએ પોતાના હાથમાં ધારણ કરેલા શસ્ત્રોનું મહત્વ શું છે. જો નહિં તો, આજે અમે તમને જણાવીશું કે, આ શસ્ત્રો શેનું પ્રતિક છે અને તેનું મહત્વ શું છે.
ત્રિશૂલ:
ભગવાન મહાદેવે મા દુર્ગાને ભેટ સ્વરૂપે ત્રિશૂલ આપ્યું હતું. આ ત્રિશૂલની 3 તીક્ષ્ણ ધાર છે, જે 3 ગુણોનું પ્રતિક છે. જેને તમસ, રાજસ અને સત્વનું પ્રતિક માનવામાં આવે છે.
સુદર્શન ચક્ર:
ભગવાન કૃષ્ણ દ્વારા મળેલું સુદર્શન ચક્ર પણ મા દુર્ગાનું હથિયાર છે. આ તે વાતનું પ્રતિક છે કે, વિશ્વ દેવી દુર્ગા દ્વારા નિયંત્રિત છે અને બ્રહ્માંડ તેની આસપાસ ફરે છે.
કમળ:
કમળ ભગવાન બ્રહ્માનું પ્રતિક માનવામાં આવે છે. જે જ્ઞાન દર્શાવે છે. અડધું ખીલેલું કમળ અંધકારમય મનમાં આધ્યાત્મિક ચેતનાના ઉદયનું પ્રતીક છે.
ધનુષ અને બાણ:
ધનુષ અને બાણ પવનદેવ અને સૂર્યદેવ દ્વારા આપવામાં આવ્યા છે. જે ઊર્જાના પ્રતિક છે. ધનુષ સંભવતઃ ઊર્જાનું પ્રતિક છે, તો તીર ગતિ ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. તેનો અર્થ છે કે દેવી દુર્ગા બ્રહ્માંડમાં ઊર્જાના તમામ સ્ત્રોતને નિયંત્રિત કરે છે.
તલવાર:
આ શસ્ત્ર ભગવાન ગણેશ દ્વારા ભેટ કરાયું છે. તે જ્ઞાન અને બુદ્ધિનું પ્રતીક છે. તલવાર બુદ્ધિની તીક્ષ્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેની ચમક જ્ઞાન દર્શાવે છે.
વજ્ર:
ઇન્દ્ર દેવની ભેટ વજ્ર આત્માની દ્રઠતા, મજબૂત સંકલ્પ શક્તિનું પ્રતીક છે. દેવી દુર્ગા પોતાના ભક્તોને આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિની સાથે સશક્ત બનાવે છે.
ભાલો:
આ શુભતાનું પ્રતિક છે. જે ભગવાન અગ્નિ દ્વારા મા દુર્ગાને ઉપહાર સ્વરૂપે આપવામાં આવ્યું છે. તે અગ્નિની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે જ ચેતનાનું નીચલી અવસ્થામાંથી ઉચ્ચ અવસ્થામાં પરિવર્તનનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
કુહાડી:
ભગવાન વિશ્વકર્મા દ્વારા મા દુર્ગાને કુહાડી અને એક કવચ પણ ભેટ મળ્યું છે. તે ખરાબ શક્તિઓ સામે લડવા અને કોઇ પણ પરીણામનો ડર ન હોવાનું પ્રતિક છે.