IPL 2021: પંજાબ કિંગ્સના સુપરસ્ટાર વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે અધવચ્ચે જ છોડ્યો પંજાબનો સાથ

પંજાબ કિંગ્સ (Punjab Kings), જે IPL 2021 ના ​​પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેને મોટો આંચકો લાગ્યો છે. ટીમના સુપરસ્ટાર વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે (Chris Gayle) ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. 1 ઓક્ટોબર, શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામેની નિર્ણાયક મેચના એક દિવસ પહેલા જ વિન્ડીઝના દિગ્ગજે આ નિર્ણય લીધો છે. ગેઇલે આ નિર્ણયને સતત બાયો-બબલમાં રહેવાથી થતા થાકને જવાબદાર ગણાવ્યો છે.

પંજાબ કિંગ્સ (PBKS) એ ગેઇલ વતી એક નિવેદન બહાર પાડીને આ નિર્ણયની જાણકારી આપી હતી. ગેઈલે આ સિઝનમાં પંજાબ માટે 10 મેચ રમી હતી. અત્યારે પંજાબ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, તેઓ ગેઇલના સ્થાને અન્ય કોઇ ખેલાડીને ટીમમાં સામેલ કરશે કે નહીં.

પંજાબ કિંગ્સે ગુરુવારે 30 સપ્ટેમ્બરની રાત્રે ટ્વિટ કરીને ગેઇલને ટુર્નામેન્ટમાંથી બ્રેક લેવાની માહિતી આપી હતી. પોતાના નિર્ણયનું કારણ સમજાવતા ગેઇલે કહ્યું, હું છેલ્લા કેટલાક મહિનાઓમાં ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ, કેરેબિયન પ્રીમિયર લીગ અને હવે આઇપીએલના બબલનો ભાગ રહ્યો છું, અને હું મારી જાતને માનસિક રીતે તૈયાર અને તાજગી રાખવા માંગુ છું.

હું દુબઈમાં જ વિરામ લઇ વેસ્ટ ઈન્ડિઝને T20 વર્લ્ડ કપમાં મદદ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. મને આરામ આપવા બદલ હું પંજાબ કિંગ્સનો આભાર માનું છું. મારી પ્રાર્થનાઓ અને આશાઓ હંમેશા ટીમ (પંજાબ કિંગ્સ) સાથે છે. આગામી મેચો માટે શુભેચ્છાઓ.

આ દરમ્યાન ફ્રેન્ચાઇઝે તેના વતી એક નિવેદન પણ બહાર પાડ્યું હતુ. તેઓએ કહ્યું કે તેઓ ગેઇલના નિર્ણયનું સન્માન કરે છે અને તેને સંપૂર્ણ ટેકો આપે છે. પંજાબે તેના નિવેદનમાં કહ્યું, પંજાબ કિંગ્સ એક ફ્રેન્ચાઇઝ તરીકે ક્રિસ ગેઇલના આઇપીએલ 2021 માંથી ખસી જવાના નિર્ણયને સમજે છે અને ટેકો આપે છે. ટીમ ક્રિકેટરના નિર્ણયનું સન્માન કરે છે, અને આગળ જતાં હરસંભવ રીતે ગેઇલને સપોર્ટ કરવાનું ચાલુ રાખશે. ફ્રેન્ચાઇઝી આગામી T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ‘યુનિવર્સ બોસ’ને શુભકામનાઓ પાઠવે છે.

જ્યાં સુધી IPL 2021 નો સવાલ છે, ગેઈલે આ સિઝનમાં રમાયેલી 10 મેચોમાં માત્ર 193 રન બનાવ્યા, જેમાં 21.44 ની એવરેજ અને 125 ના સ્ટ્રાઈક રેટ હતો. તે આ સિઝનમાં એક પણ અડધી સદી રમી શક્યો ન હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *