ભારતની મહિલા કુસ્તીબાજ અંશુ મલિકને વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે તે ફ્રિસ્ટાઈલ કુસ્તીના ૫૭ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં સિલ્વર મેડલ જીતી હતી. જ્યારે અમેરિકાની ઓલિમ્પિક ચેમ્પિયન હેલન મેરૌલિસને ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેણે ૪-૧થી ફાઇનલમાં જીત હાંસલ કરી હતી. આ હાર છતાં અંશુ વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની સૌપ્રથમ મહિલા કુસ્તીબાજ બની ગઈ છે.
અંશુ ભારતના લેજન્ડરી કુસ્તીબાજ સુશીલ કુમારની બરોબરી મેળવવાની તક ચૂકી ગઈ હતી. કુસ્તીની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારા એકમાત્ર કુસ્તીબાજ તરીકેનો રેકોર્ડ સુશીલના નામે છે. જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને આ બીજી વખત સિલ્વર મેડલ મળ્યો હતો. અગાઉ પુરુષ કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ સિલ્વર જીતી ચૂક્યો છે.
વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતની ચાર મહિલા કુસ્તીબાજો અગાઉ બ્રોન્ઝ જીતી ચૂકી છે. જેમાં ગીતા ફોગટ, બબિતા ફોગટ, પૂજા ધાન્દા અને વિનેશ ફોગટનો સમાવેશ થાય છે.