જમ્મુ કાશ્મીરમાં વધતા જતા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં નવ સૈનિકો શહીદ થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે સવારે પણ બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. સુરક્ષા સમીક્ષા દરમિયાન આર્મી ચીફ રાજૌરી-પૂંછ રોડ પર ભીંબર ગલીની મુલાકાત લેશે. જ્યાં 14 ઓક્ટોબરે આતંકવાદીઓ સાથેની ગોળીબારમાં ચાર સૈનિક શહિદ થઇ ગયા હતા.
બંને પક્ષો વચ્ચે પ્રથમ મુઠભેડ 11 ઓક્ટોબરે પૂંછ જિલ્લાના દેહરા ગલી વિસ્તારમાં થઇ હતી. જેમાં એક જેસીઓ સહિત પાંચ સેનાના જવાન શહીદ થયા હતા. છેલ્લા 17 વર્ષમાં આ પ્રદેશમાં આ સૌથી ઘાતક મુઠભેડ હતી. ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં સૌથી લાંબી કામગીરી ચાલી રહી છે.
સેનાએ ટ્વિટ કર્યું કે જનરલ નરવણે જનરલ ઓફિસર કમાન્ડિંગ, વ્હાઇટ નાઈટ કોર્પ્સ પાસેથી સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓ અંગે અપડેટ મેળવશે અને જુદા-જુદા વિસ્તારોમાં રહેલ સૈનિકો અને કમાન્ડરો સાથે વાતચીત કરશે.સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાટા દુરિયન વિસ્તારમાં આતંકવાદીઓને લોજિસ્ટિક્સ આપવાની શંકાના આધારે પોલીસે વધુ પાંચ ગ્રામજનોની અટકાયત કરી છે. આતંકવાદીઓને મારી નાખવાની કામગીરીમાં અત્યાર સુધી ઓછી સફળતા મળી છે. જોકે આતંકવાદીઓ નાસી ન જાય તે માટે પોલીસ અને સેનાએ સંયુક્ત રીતે આ વિસ્તારને ઘેરી લીધો છે.