વડોદરા : વડોદરાની સ્ટર્લિંગ ગુ્રપ ઓફ કંપની વિરૂધ્ધ લગભગ રૂા.16000 કરોડના બેન્ક લોનકૌભાંડ અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ સી.બી.આઇ.માં નોંધાયેલી ફરિયાદના અનુસંધાનમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરેટ (ઇ.ડી.) દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહમદ પટેલના જમાઇ, ફિલ્મ અભિનેતા સંજયખાન અને ડિનો મોરિઆ સહિત ચાર વ્યક્તિની રૂા.8.79 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ છે.
ઇ.ડી.એ આજે સ્વ. અહમદ પટેલના જમાઇ ઇરફાન અહમદ સિદ્દીકીની રૂા.2.41 કરોડની સંપત્તિ, ફિલ્મ અભિનેતા અને ડાયરેકટર સંજયખાનની રૂા.3 કરોડ, ડિનો મોરીઆની રૂા.1.4 કરોડ અને ડીજે અકિલ નામે જાણીતા અકિલ અબ્દુલખલિલ બચુઆલીની રૂા.1.98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
જપ્ત કરાયેસી આ સમ્પત્તિમાં 3 વાહનો, સંખ્યાબંધ બેન્ક એકાઉન્ટસ શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સનો સમાવેશ થાય છે. ઇ.ડી.એ સાંડેસર ફેમિલિના કર્મચારી સુનિલ યાદવનું નિવેદન લીધું હતું. જેમાં યાદવે તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે અહમદ પટેલના જમાઇ ઇરફાન સિદ્દીકી દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં આવેલા ચેતન સાંડેસરાના મકાનમાં રહેતા હતા.
ગયા વર્ષના જુલાઇમાં આ કેસના સંદર્ભમાં જ ઇ.ડી.એ તે વેળા અહમદ પટેલ અને તેમના પુત્ર ફૈઝલની પણ પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના નવેમ્બરમાં અહમદ પટેલનું અવસાન થયું હતું. ઇ.ડી.ની તપાસમાં એવી વિગત ખુલી હતી કે સાંડેસરા બંધુઓ તરફથી સંજય ખાનને રૂા.3 કરોડ, ડિનો મોરીઆને રૂા. 1.4 કરોડ ડીજે અકિલને રૂા.12.54 કરોડ અને ઇરફાન અહમદ સિદ્દીકીને રૂા.3.51 કરોડ અપાયા હતા.
સ્પેશ્યલ કોર્ટે ચેતન સાંડેસરા, નીતિન સાંડેસરા, ચેતનની પત્ની દિપ્તી સાંડેસરા અને હિતેશ સાંડેસરાને ભાગેડૂ જાહેર કર્યા છે. સાંડેસરા પરિવાર હાલ નાઇજીરીયામાં હોવાનું કહેવાય છે. વડોદરાની સ્ટર્લિંગ ગૃપ ઓફ કંપનીએ વિવિધ બેંકોમાંથી રૂા. કરોડો રૂપિયાની લોન લઇ તે ભરપાઇ નહીં કરી બેંકો સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ચાર વર્ષ અગાઉ સી.બી.આઇ.માં થઇ હતી.
તેની સાથે સાથે સ્ટર્લિંગ બાયોટેકમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં મળેલી ડાયરીમાં કેટલાક આઇ.એ.એસ., આઇ.પી.એસ. અને સરકારી ઉચ્ચ અધિકારીઓને આપેલા બે નંબરી નાણાંની યાદી ઝડપાઇ હતી અને બેંકલોનો લઇને તે નાણા વિદેશમાં ગેરકાયદે રીતે મોકલી દેવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ વધુ એક ફરિયાદ દાખલ કરી હતી જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના જમાઇ સહિત ઉચ્ચ અધિકારીઓ, અભિનેતાઓના નામો હતા.
ભાગેડુ 4 ગુનેગાર નાઇજીરિયામાં છુપાયા
સ્ટર્લિંગ ઓઇલ કંપની પાસે નાઇજીરિયામાં ઓઇલ ડ્રિલિંગનો પરવાનો છે, અને સાંડેસરા બંધુઓ નાઇજીરિયાથી ભારત અને અન્ય દેશોને ઓઇલનું વેચાણ પણ કરે છે.
સાંડેસરા બંધુઓ ભાગેડૂ જાહેર કરાયા છે
ચાર વર્ષ અગાઉ સ્ટર્લિંગ ગૃપ ઓફ કંપની સામે સીબીઆઇ અને ઇડીએ દાખળ કરેલી અલગ-અલગ તપાસમાં સ્ટર્લિંગ ગૃપના પ્રમોટર સાંડેસરા બંધુ નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા ઉપરાંત ચેતનની પત્ની દીપ્તિ સાંડેસરા તથા હિતેશ પટેલને ખાસ કોર્ટે આર્થિક ગુનેગાર ગણી ભાગેડૂ જાહેર કર્યા છે.
અભિનેતા ડિનોએ આર્કિના ગરબામાં હાજરી આપી હતી
સ્ટર્લિંગ ગૃપ ઓફ કંપનીના મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયેલા અને આજે જેની મિલકત જપ્ત કરવામાં આવી છે તે અભિનેતા ડિનો મોરિઆ વર્ષ 2011માં સાંડેસરાબંધુ આયોજીત નવરાત્રીના આર્કિના ગરબામાં વડોદરા આવ્યા હતા એટલું જ નહીં વડોદરામાં ટ્રાફિક બ્રિગેડનું સંચાલન કરનાર વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને પણ ડિનો મોરિઆએ રૂા.1 લાખના દાનનો ચેક આપ્યો હતો. સ્ટર્લિંગ ગૃપ ઓફ કંપનીના નિતિન સાંડેસરા સહિત ચાર ભાગેડૂ આર્થિક ગુનેગારોએ નાઇજીરિયામાં ઓઇલનો ધંધો શરૂ કર્યો હોવાનું કહેવાય છે.