૪૩ હથિયારધારી અને ૫૫૧ બિન હથિયારધારી પીએસઆઈની એકસાથે બદલી, આ ઉપરાંત ૨૩૨ બિન હથિયારધારી પીઆઈની બદલીના આદેશ.
દેશમાં આગામી સમયમાં લોકસભા ૨૦૨૪ ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે અને સરકારી અધિકારીઓની બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ગઈકાલે નાયબ સચિવ કક્ષાના અને તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાયા બાદ હવે ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અને મામલતદારોની બદલી કરવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ૪૩ હથિયારધારી પીએસઆઈ, ૫૫૧ બિન હથિયારધારી પીએસઆઈની એકસાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૩૨ બિન હથિયારધારી પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે આ બદલીઓના આદેશ કર્યા છે. પોલીસ અધિકારીઓને એક શહેરથી બીજા શહેર મોકલાયા છે. હવે આઈપીએસ અધિકારીઓની પણ બદલી થવાની શક્યતા છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો આવનારા દિવસોમાં થાય તો નવાઈ નહીં.
ગઈકાલે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ૧૮ નાયબ સચિવ કક્ષાના વર્ગ-૧ ના અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. તો ગુજરાત વિકાસ સેવા વર્ગ-૨ ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ તરીકે ફરજ બજાવતા ૨૫ તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે. તેમજ આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરાઈ છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાંથી કુલ ૫૦ IAS અધિકારીઓની બદલી કરાઈ હતી.