મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈઝરાયલે આજે વહેલી સવારે ઈરાન પર વળતો પ્રહાર કરતાં મોટો સૈન્ય હુમલો કર્યો છે. ઈઝરાયેલી સંરક્ષણ મંત્રીએ આ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે ‘શીલ્ડ ઑફ જુદાહ’ ઓપરેશન હેઠળ ઈરાન પર અનેક મિસાઇલો દાગવામાં આવી છે. જેના પગલે હાલ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે મોટા યુદ્ધના એંધાણ સર્જાયા છે. સૌથી મહત્ત્વની જાણકારી મળી રહી છે કે હુમલા બાદ અમેરિકાએ પ્રથમ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે હુમલા હજુ ઈરાન પર ચાલુ જ રહેશે. તો બીજી બાજુ ઈરાને પણ વળતો જવાબ આપીને ધમકી આપી છે કે યુદ્ધ તમે શરુ કર્યું છે પરંતુ ખતમ અમે કરીશું.

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં હુમલા કર્યા બાદ ટ્રમ્પે પ્રથમ નિવેદન આપતાં કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે. તે પરમાણુ બોમ્બ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. અમે ઈરાનની નેવીને જ ખતમ કરવા જઈ રહ્યા છીએ. અમે ઈરાનના મિસાઇલ ઠેકાણાઓને નષ્ટ કરી નાખીશું. તે અમેરિકાને નિશાન બનાવવાની ફિરાકમાં હતું. અમે ઈરાનના પરમાણુ સેન્ટરને જ ઉડાવી નાખીશું.
ટ્રમ્પે ઈરાનના નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે તમે રસ્તા પર ઉતરી આવો અને ઈરાનની સત્તા પર કબજો કરી લો. આ દરમિયાન ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ યુદ્ધમાં અમેરિકાના સૈનિકો પણ જીવ ગુમાવી શકે છે. અમે મધ્યપૂર્વમાં અમારા તહેનાત લડાકૂ વિમાનો દ્વારા ઈરાનને નિશાન બનાવી રહ્યા છીએ.
ઈઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન સહિત ૩૦ જેટલા વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવ્યા છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે ઈઝરાયેલે ઈરાનના રાષ્ટ્રપતિ ભવનને પણ નિશાન બનાવ્યું હોવાના અહેવાલ છે. તેહરાનના મેહરાબાદ ઍરપોર્ટ અને પૂર્વી-પશ્ચિમી વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. હુમલા બાદ ઈરાને સાવચેતીના ભાગરૂપે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ્પ કરી દીધી છે.

અમેરિકાએ પણ મિડલ ઈસ્ટમાં આવેલા પોતાના બેઝ પરથી ઈરાન વિરુદ્ધ મોરચો ખોલ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સંઘર્ષની અસર પાડોશી દેશો પર પણ જોવા મળી રહી છે, જ્યાં ઈરાકે પોતાનો એરસ્પેસ બંધ કરી હાઇ ઍલર્ટ જાહેર કર્યું છે.
