
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (યુસીસી) બિલ ૨૦૨૬ રજૂ કરાયું હતું, જે ૦૭:૩૦ કલાકની ચર્ચા બાદ બહુમતી પસાર થઈ ગયું છે. આ સાથે જ યુસીસી બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત બિલ નંબર ૧૭ ઑફ ૨૦૨૬’ તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાયું હતું, જેના પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માગ કરી વોક આઉટ કર્યું હતું. બહુમતીથી પસાર થયા બાદ આ બિલ પર હવે રાજ્યપાલ સહી કરશે જે બાદ તે કાયદાનું રૂપ ધારણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૫ મિનિટનું વિધાનસભામાં પ્રવચન કર્યું, કહ્યું હતું કે ‘સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે, મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગૃહમાં યુસીસી બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.’

બિલમાં લગ્ન અને છૂટાછેડા અંગેના નિયમો
ફરજિયાત નોંધણી: દરેક નાગરિક માટે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
દંડની જોગવાઈ: જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે, તો ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
બહુપત્નીત્ત્વ પર કડક સજા: એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને ૪ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
છૂટાછેડાના સમાન નિયમો: દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એકસમાન રહેશે.
કોર્ટની માન્યતા: કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે.
લિવ-ઇન રિલેશનશિપ
ફરજિયાત રજિસ્ટ્રેશન: લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ ૩ મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે.
કાનૂની સુરક્ષા: આ જોગવાઈનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે.

લઘુમતી સમાજ માટે છૂટ
મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં. તેમને આ બાબતમાં છૂટ આપવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ બિલ મુદ્દે જણાવ્યું કે ૪૫ દિવસની જગ્યાએ ૧ વર્ષે રિપોર્ટ આવ્યો અને સમિતિમાં લોકોનું પ્રતિનિધિત્ત્વ પણ ન રાખવામાં આવ્યું, અને સરકાર પર એવું તે શું થયુ કે ૧૭ મી એ રિપોર્ટ આવ્યો અને ૨૪ મી એ સરકારે વિધાનસભામાં બિલ લાવ્યા. તેમણે કહ્યું ચૂંટણીઓ છે એટલે સરકાર બિલ ઉતાવળે લઈને આવી છે.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે રિપોર્ટ આપવામાં આવ્યો નથી, ધારાસભ્યોને અભ્યાસ માટે પણ ન આપ્યો અને ઉતાવળે બિલ લાવવામાં આવ્યું છે જેથી ચૂંટણીમાં ફાયદો થાય, સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામત માટેના ઝેવરી કમિશનનો રિપોર્ટ હતો એ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી અને યુસીસી નો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ સરકાર બિલ લાવવાની વાત આવે ત્યારે રાજકીય એજન્ડા માટે વાત કરે છે.

આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે, પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ (એસટી) અને લઘુમતી સમાજ, સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને ૧૭ માર્ચે સુપરત કર્યો હતો, જે બાદ આજે વિધાનસભામાં ચર્ચા કરી બિલને પસાર કરવામાં આવ્યું છે.

