
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આઈપીએલ-૨૦૨૬ ના બીજા તબક્કાના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજની બાકી રહેલી ૫૦ મેચો આગામી ૧૩ એપ્રિલથી ૨૪ મે ૨૦૨૬ દરમિયાન અમદાવાદ સહિત ૧૨ અલગ-અલગ શહેરોમાં રમાશે. બીજા રાઉન્ડની મેચો માટે અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી, હૈદરાબાદ, લખનૌ, જયપુર, ધર્મશાલા, રાયપુર અને ન્યૂ ચંદીગઢ જેવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે.

ટૂર્નામેન્ટના આ બીજા તબક્કાની શરૂઆત ૧૩ એપ્રિલના રોજ હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલાથી થશે. આ સમયગાળા દરમિયાન કુલ આઠ ડબલ-હેડર મેચો રમાશે જેમાં બપોરની મેચ ભારતીય સમય અનુસાર ૦૩:૩૦ વાગ્યે અને સાંજની મેચ ૦૭:૩૦ વાગ્યે શરૂ થશે.



પંજાબ કિંગ્સ તેની હોમ મેચો ન્યૂ ચંદીગઢ અને ધર્મશાલામાં રમશે જેમાં ત્રણ મેચો ધર્મશાલા ખાતે યોજાશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ જયપુરમાં ચાર હોમ મેચ રમશે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ ત્રણ મેચ બેંગલુરુમાં અને બે મેચ રાયપુરમાં રમશે. પ્લેઓફ મેચો કયા સ્થળે યોજાશે તેની જાહેરાત બીસીસીઆઈ દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે.
