પરશુરામ જયંતી પંચાંગ મુજબ વૈશાખ સુદ ત્રીજ તિથિ પર ઉજવાય છે. આ દિવસને અખા ત્રીજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીયે પરશુરામ જયંતીની સાચી તારીખ, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ

હિન્દુ ધર્મમાં પરશુરામ જયંતીનું વિશેષ મહત્વ છે. આ દિવસ ભગવાન પરશુરામને સમર્પિત છે. ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, પરંતુ તેમણે અધર્મ, પાપ અને અત્યાચાર સામે હથિયાર ઉપાડયું હતું. તેમણે પરશુ (કુહાડી) ધારણ કરી હોવાથી તેમનું નામ “પરશુરામ” રાખવામાં આવ્યું હતું.
![]()
ધર્મગ્રંથો અનુસાર પરશુરામનો જન્મ અખા ત્રીજના દિવસે થયો હતો. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે, પૂજા કરે છે અને ભગવાન પરશુરામ પાસેથી સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ લે છે. ચાલો જાણીએ આ વર્ષે પરશુરામ જયંતી ક્યારે છે?

પરશુરામ જયંતી તારીખ ૨૦૨૬
પંચાંગ અનુસાર વૈશાખ સુદ ત્રીજ તિથિ પર પરશુરામ જંયતી ઉજવાય છે. આ વખતે આ તિથિ ૧૯ એપ્રિલ સવારે ૧૦:૪૯ વાગ્યે શરૂ થશે. જે ૨૦ એપ્રિલે સવારે ૦૭:૨૬ વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ૧૯ એપ્રિલે ભગવાન પરશુરામ જયંતી ઉજવવામાં આવશે.

પરશુરામ જયંતી પૂજા, શુભ મુહૂર્ત
પરશુરામ જયંતી પર પૂજા માટે બે શુભ સમય રહ્યા છે. પૂજા માટેનું પ્રથમ શુભ મુહૂર્ત ૧૯ એપ્રિલે સવારે ૦૭:૨૯ થી બપોરે ૧૨:૨૦ સુધી છે. તો બીજું મુહૂર્ત સાંજે ૦૬:૪૯ થી ૧૦:૫૭ સુધી છે. તમે આ બે મુહૂર્તમાં ભગવાન પરશુરામની પૂજા કરી શકો છો.

પરશુરામ જયંતીની પૂજા
આ દિવસે સવારે સ્નાન કરીને ઉપવાસનો સંકલ્પ લેવામાં આવે છે અને ભગવાન પરશુરામની મૂર્તિ અથવા ફોટો ઘર અથવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. આ પછી, ચંદન, અક્ષત, ફૂલ અને તુલસી પાન અર્પણ કરી તેમની વિધિવત્ પૂજા કરવામાં આવે છે. ભક્તો વિષ્ણુ મંત્ર અથવા પરશુરામ સ્તુતિનો પાઠ કરે છે અને અગરબત્તી દીપક પ્રગટાવીને આરતી કરે છે. છેલ્લે ભગવાનને ભોગ અર્પણ કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેનાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે.

પરશુરામ જયંતીનું ધાર્મિક મહત્વ
પરશુરામ જયંતીનો દિવસ ભગવાન પરશુરામને સમર્પિત છે, જેમને ધર્મ, સાહસ અને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં અન્યાય અને અવરોધોનો નાશ થાય છે, આત્મવિશ્વાસ અને શક્તિ વધે છે.
![]()
અખા ત્રીજ ક્યારે છે?
ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયા એટલે અખા ત્રીજના દિવસે થયો હતો. તેથી, આ તારીખ અખૂટ પુણ્ય આપતી માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા દાન, જાપ અને તપસ્યાનું ફળ ક્યારેય નષ્ટ થતું નથી. આ તહેવાર ખાસ કરીને બ્રાહ્મણ સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ તમામ ભક્તો આ દિવસે ભગવાન વિષ્ણુના આ અવતારની પૂજા કરે છે અને સુખ અને સમૃદ્ધિની કામના કરે છે.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
