મંગળવારે વહેલી સવારે ૦૫:૫૯ વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૨ માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજોંગ હતું, જ્યાં જમીનથી ૬૨ કિમી ઊંડાઈએ હિલચાલ નોંધાઈ હતી.

ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
![]()
હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. પૂર્વોત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. આ પહેલા ૭ એપ્રિલે પણ મણિપુરમાં બે વાર આંચકા અનુભવાયા હતા.

ભારતની સાથે જાપાનમાં પણ સોમવારે ૭.૫ ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
