પપ્પુ યાદવ: ‘૯૦ % મહિલાઓની રાજકીય કારકિર્દી નેતાઓની પથારીથી શરૂ થાય છે’
![]()
બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવે હાલમાં જ રાજનીતિમાં મહિલાઓની ભૂમિકાને લઈ નેતાઓના આચરણનું એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, દેશની રાજનીતિમાં મહિલાઓ માટે કોઈ સમજૂતી વગર આગળ વધવું લગભગ અશક્ય બની ચૂક્યું છે. અને તેમની સુરક્ષાને પણ ગંભીરતાથી નથી લેવામાં આવી રહી. મીડિયા સાથેની વાતચીતમાં પપ્પુ યાદવે કહ્યું કે, ભલે ભારતીય સમાજમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવતો હોય, પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરિત છે.
પથારીથી શરુ થાય છે…
પપ્પુ યાદવના અનુસાર, રાજનીતિમાં મોટાભાગની મહિલાઓની શરૂઆત પ્રભાવશાળી લોકોની અંગત છાયામાંથી થાય છે. તેમણે આરોપ લગાવ્યો કે સત્તાની શેરીઓમાં મહિલાઓના શોષણની પ્રવૃત્તિના મૂળિયા ઊંડા ધરબાયેલા છે. કડવી વાસ્તવિકતા એ છે કે ૯૦ % મહિલાઓની રાજકીય કારકિર્દી નેતાઓની પથારીથી શરૂ થાય છે. મહિલાઓ કોઈ પ્રભાવશાળી નેતાઓના રૂમમાં ગયા વગર રાજનીતિ નથી કરી શકતી.
જવાબ માગ્યો
આ નિવેદનને ધ્યાનમાં લેતા બિહાર રાજ્ય મહિલા આયોગે પપ્પુ યાદવને નોટિસ પાઠવી છે. આયોગે તેમની પાસેથી ત્રણ દિવસમાં જવાબ માગ્યો છે અને પૂછ્યું છે કે તેમણે આ નિવેદન શા માટે આપ્યું ? અને તેમનું લોકસભાનું સભ્યપદ શા માટે રદ્દ ન કરવું જોઈએ.
ફોનમાં અશ્લીલ સામગ્રી જુએ છે
પપ્યૂ યાદવે નેતાઓના ચરિત્ર પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે, સંસદ અને વિધાનસભાઓમાં બેઠેલા કોઈ જનપ્રતિનિધિ મહિલાઓને સન્માનની નજરથી નથી જોતા. તેમણે ત્યાં સુધી કહ્યું કે, નેતા અશ્લીલ સામગ્રી જુએ છે. અને આ માટે તેમના મોબાઇલ ફોનની તપાસ કરવી જોઈએ. કેમ કે ડિજિટલ ડેટાનો નાશ નથી કરી શકાતો.
