વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી

ભારત હાલમાં વિશ્વનો સૌથી ગરમ દેશ છે, જ્યાં એપ્રિલ મહિનામાં જ તાપમાન ૪૩ થી ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વના ૧૦૦ સૌથી ગરમ શહેરોમાંથી ૯૫ માત્ર ભારતમાં જ છે. ભારતીય હવામાન વિભાગના નકશામાં પણ દેશનો મોટાભાગનો હિસ્સો લાલ રંગમાં જોવા મળી રહ્યો છે. જે ગંભીર હીટવેવની સ્થિતિ દર્શાવે છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે ગરમીની આ લહેર વધુ લાંબી અને ઘાતક બની રહી છે.

વિજ્ઞાનિઓના મોડલ્સ ચેતવણી આપી રહ્યા છે કે, વર્ષ ૨૦૨૬ માં સુપર અલ-નીનો અથવા ગોડઝિલા અલ-નીનો ત્રાટકી શકે છે. વિશ્વ હવામાન સંસ્થા (ડબલ્યુએમઓ) ના જણાવ્યા અનુસાર, મે થી જુલાઈ ૨૦૨૬ દરમિયાન અલ-નીનોની શરૂઆત થવાની પ્રબળ શક્યતા છે. પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન આ સદીમાં ક્યારેય ન વધ્યું હોય એટલી ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિ વિશ્વભરના હવામાન અને વરસાદના પેટર્નને સંપૂર્ણપણે બદલી નાખશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

અલ-નીનોને કારણે વિશ્વના અમુક હિસ્સામાં ભારે પૂર આવશે. જ્યારે દક્ષિણ એશિયા અને ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જો આ સુપર અલ-નીનો બનશે તો ભારતમાં ચોમાસું નબળું પડવાની અને વરસાદ અનિયમિત થવાની શક્યતા છે. જેની સીધી અસર કૃષિ ક્ષેત્ર પર પડશે. પ્રશાંત મહાસાગરમાં પેદા થતી આ ગરમ લહેર પૃથ્વીના તાપમાનમાં અનેકગણો વધારો કરશે. જેનાથી ૨૦૨૬ કે ૨૦૨૭ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.

વિજ્ઞાનીઓએ સરકારો અને ખાસ કરીને ખેડૂતોને અત્યારથી જ સાવધ રહેવા સૂચના આપી છે. પાણીનો બચાવ, હીટ વેવથી બચવા માટેના આરોગ્ય કાર્યક્રમો અને દુષ્કાળ પ્રતિરોધક પાકની પસંદગી અત્યંત જરૂરી છે. ડબલ્યુએમઓ દ્વારા આગામી સમયમાં દક્ષિણ એશિયાઈ ચોમાસા અંગે વધુ સચોટ આગાહી જાહેર કરવામાં આવશે. માનવસર્જિત આબોહવા પરિવર્તન અને અલ-નીનોની સંયુક્ત અસરથી બચવા માટે અત્યારથી જ લાંબાગાળાનું આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.

