છોકરીઓએ બાજી મારી…

સામાન્ય પ્રવાહમાં અમદાવાદનું પરિણામ સૌથી નબળું…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩૩ % અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ % પરિણામ જાહેર થયું છે. આ વર્ષના પરિણામોમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. જેમાં ઘણી શાળાઓએ સારો દેખાવ કર્યો છે. બોર્ડની આ પરીક્ષામાં રાજ્યના વિવિધ કેન્દ્રો અને જિલ્લાઓ વચ્ચે પરિણામની ટકાવારીમાં મોટો તફાવત પણ જોવા મળ્યો છે.

સામાન્ય પ્રવાહના પરિણામની વિગતવાર વાત કરીએ તો, આ વર્ષે વિદ્યાર્થીઓનું કુલ પરિણામ ૯૦.૧૦ % નોંધાયું છે, જેની સામે વિદ્યાર્થિનીઓનું પરિણામ ૯૫.૪૧ % રહ્યું છે. આમ વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા 5.31% વધારે આવ્યું છે. રાજ્યમાં તડાવ, કોટડા, કાંગવાઇ અને પ્રશ્નાવાડા એમ ચાર કેન્દ્રોએ ૧૦૦ % પરિણામ મેળવીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે કારઠ કેન્દ્ર ૬૪.૮૮ % પરિણામ સાથે સૌથી નીચે રહ્યું છે.

જિલ્લાવાર પરિણામમાં આહવા-ડાંગ જિલ્લો ૯૭.૮૮ % સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે અમદાવાદ શહેરનું પરિણામ સૌથી ઓછું ૮૭.૧૦ % નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય પ્રવાહની કુલ ૨૦૩૦ શાળાઓએ ૧૦૦ % પરિણામ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓના સારા આંકડા સામે આવ્યા છે. વિજ્ઞાન પ્રવાહમાં કુંભારીયા કેન્દ્ર ૯૮.૬૨ % પરિણામ સાથે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું લીમડી કેન્દ્ર ૪૨.૯૮ % સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે.

જિલ્લાઓની સરખામણીમાં મોરબી જિલ્લો ૯૪.૮૫ % પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે, જ્યારે દાહોદ જિલ્લો ૫૭.૪૪ % સાથે સૌથી નબળું પરિણામ ધરાવતો જિલ્લો સાબિત થયો છે. વિજ્ઞાન પ્રવાહની કુલ ૨૦૯ શાળાઓએ ૧૦૦ % પરિણામ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.

