પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં

તમિલનાડુના રાજકીય ફલક પર એક આશ્ચર્યજનક વળાંક જોવા મળી રહ્યો છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) સત્તાના ઉંબરે ઊભી છે, પરંતુ બહુમતીના આંકડામાં ૧૦ બેઠકો ખૂટી રહી છે. આ સ્થિતિનો લાભ ઉઠાવીને ભાજપ પરદા પાછળ સક્રિય થઈ ગયું છે, જેના કારણે કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો છે અને એઆઈએડીએમકે ધર્મસંકટમાં મૂકાઈ ગયું છે.

તમિલનાડુની ૨૩૪ સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે ૧૧૮ ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. હાલમાં વિજયની ટીવીકે પાસે ૧૦૮ બેઠકો છે, જે બહુમતીથી માત્ર ૧૦ ડગલાં દૂર છે.

આ ૧૦ બેઠકોના ટેકા માટે જે ખેંચતાણ શરૂ થઈ છે તેણે રાજ્યમાં ભારે ઉથલપાથલ મચાવી છે.

ભાજપ તમિલનાડુમાં ટીવીકે ના નેતૃત્વમાં સરકાર બને તેવું ઇચ્છી રહ્યું છે, પણ તેની શરત અલગ છે. ભાજપ નથી ઇચ્છતું કે વિજયની પાર્ટી કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવે. પડોશી રાજ્ય કેરળમાં કોંગ્રેસની મજબૂત વાપસીથી ચિંતિત ભાજપ કોઈપણ ભોગે તમિલનાડુમાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માંગે છે. આ માટે ભાજપ તેના જૂના સાથી પક્ષ એઆઈએડીએમકે પર દબાણ લાવી રહ્યું છે કે તેઓ ટીવીકે સાથે ગઠબંધન કરે.

ભાજપના દબાણને કારણે એઆઈએડીએમકે માં આંતરિક વિખવાદ શરૂ થયો છે. પાર્ટીમાં બે જૂથ પડી ગયા છે, જેમ કે, જેઓ સત્તામાં હિસ્સો મેળવવા વિજયની પાર્ટીને ટેકો આપવા માંગે છે અને જેઓ માને છે કે વિજયને ટેકો આપવો તે આત્મઘાતી સાબિત થઈ શકે છે.

પાર્ટીના વરિષ્ઠ નેતા લીમા રોઝ માર્ટિને પણ સ્વીકાર્યું છે કે ટીવીકે અને એઆઈએડીએમકે વચ્ચે વાતચીત ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જો એઆઈએડીએમકે કોઈ ચોક્કસ નિર્ણય પર નહીં આવે તો મહારાષ્ટ્રમાં શિવસેના જેવી સ્થિતિ (પાર્ટીના ભાગલા) તમિલનાડુમાં સર્જાઈ શકે છે.

કોંગ્રેસના પાંચ વિજેતા ઉમેદવારોએ વિજયને ટેકો જાહેર કર્યો હોવા છતાં આંકડો હજુ પણ અધૂરો છે. ગુરુવારે (સાતમી મે) વિજયે સરકાર રચનાના અંતિમ સમીકરણો પર ચર્ચા કરવા માટે વિજેતા નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક બાદ નક્કી થશે કે તમિલનાડુમાં નવી સરકારનો ચહેરો કેવો હશે અને તે કોના સમર્થનથી ચાલશે.

તમિલનાડુમાં અત્યાર સુધી દ્રવિડિયન પક્ષોનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે ભાજપના ‘ચાણક્ય’ જેવી વ્યૂહનીતિ અને વિજયની નવી પાર્ટીએ રાજ્યના રાજકારણનું આખું ગણિત બદલી નાખ્યું છે.
