ગાંધીનગર : માણસા તાલુકાના મોટી આદરજ (ઊવરસાદ પાસે) ગામે એક અરેરાટીભરી છતાં સુખદ અંતવાળી ઘટના સામે આવી છે. ગામના એક ૫૦ ફૂટ ઊંડા કૂવામાં રમતા-રમતા એક નાનું બાળ વાનર પડી ગયું હતું. માતૃપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા, પોતાના બચ્ચાને બચાવવા માટે વાનર માતા પણ કૂવામાં કૂદી પડી હતી.

છેલ્લા ત્રણ દિવસથી માતા અને બચ્ચું ભૂખ્યા-તરસ્યા કૂવામાં ફસાયેલા હતા. ગામના રહીશોએ લાકડીઓ અને દોરડાની મદદથી સીડી બનાવી તેમને બહાર કાઢવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. અંતે ગામના જીવદયા પ્રેમી દ્વારા ‘રેસ્ક્યુ ફાઉન્ડેશન’ની હેલ્પલાઇન પર સંપર્ક કરવામાં આવ્યો હતો.

ઘટનાની ગંભીરતા જોઈ રેસ્ક્યુ ફાઉન્ડેશનની ટીમ માત્ર એક કલાકમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે કૂવામાં ઉતર્યા વગર આધુનિક સાધનો અને ‘ગાળિયો’ પદ્ધતિનો ઉપયોગ કરી કુશળતાપૂર્વક માતા અને બાળ વાનરને હેમખેમ બહાર કાઢ્યા હતા. ત્રણ દિવસના સંઘર્ષ બાદ બંનેને સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને રેસ્ક્યુ ટીમનો આભાર માન્યો હતો.

