અમદાવાદના એસ.જી. હાઈવે પર આજે મંગળવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેફામ સ્પીડે આવી રહેલા ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક યુવકને ટક્કર મારી હતી. આ હિટ એન્ડ રનની કાળજું કંપાવી દે તેવી ઘટનામાં ૨૩ વર્ષીય આશાસ્પદ યુવકનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

સરખેજમાં ઉજાલા સર્કલ પાસે આવેલા વિનાયક હોમ્સમાં રહેતા ૨૩ વર્ષીય ધાર્મિક સંજયભાઈ ચોટાલીયા આજે સવારે આશરે ૦૮:૦૦ વાગ્યા પહેલાં પોતાનું એક્ટિવા લઈને એસ.જી. હાઈવે પર વાયએમસીએ થી સાણંદ સર્કલ તરફ સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બ્લુ લગૂન પાર્ટી પ્લોટ સામે અને એનરાઇઝ ગ્લાન્સ સાઇડના ગેટની સામે એક ડમ્પર ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર ચલાવી આવીને ધાર્મિકના એક્ટિવાને અડફેટે લીધું હતું.
ડમ્પરની ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક ધાર્મિક રોડ પર નીચે પટકાયા હતા અને તેમને હાથે-પગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ડમ્પર લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
આ અકસ્માત અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર થઈ ગયેલા ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અકસ્માત સર્જી ભાગી છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
